વાંકાનેર પંથકમાં બે તથા હળવદ પંથકમાં એક મોત સહિત મોરબી જિલ્લાભરમાં અપમૃત્યુના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં વાંકાનેર નજીક કાર પલ્ટી જતા રેલવે કર્મચારીનું મોત તથા સગીરાએ ગળાફાંસો ખાઇ લેતા અને હળવદમાં નર્મદાની કેનાલમાં પડી જતા વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અપમૃત્યુના બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર પંથકના લીંબાળાના ઢાળીયા પાસે આવેલ બેઠા પુલ નજીક અકસ્માતે કાર પલ્ટી ખાઈ જતા રેલવે કર્મચારી જોરુભાઈ સોમાભાઈ સાપરાઉ (ઉ.વ.37)ને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. જેને પગલે રેલવે કર્મચારીનું મોત નીપજ્યું હતું.
અન્ય એક બનાવમાં વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ પર રહેતી ભૂમિબેન રાજેશભાઇ ડાભી નામની 16 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઉપરનામાળે રૂમમાં ગળેફાંસો ખાઈ અપઘાતનો પ્રયાસ કર્યો હતો આ અંગે પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ એક અપમૃત્યુના કેસમાં હળવદના કંસારીયા હનુમાનજી મંદીર પાસે આવેલ નર્મદા કેનાલમા વીજુબેન હેમુભાઇ જખાનીયા (રહે.હળવદ લાંબી ડેરી તા.હળવદ) નામના 60 વર્ષીય વૃદ્ધા કોઈ પણ કારણસર પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતાં હળવદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.