મોરબી જીલ્લામાં અલગ અલગ વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં વાંકાનેરમાં એક મહિલાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત થયું, પીપળીયારાજ ગામે વાડીમાં ટ્રેક્ટર અકસ્માતે ૮ માસના માસુમનું કરૂણ મોત થયું હતું, જ્યારે હળવદ તાલુકામાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોમાં અ.મોતની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા વસંતબેન મનોજભાઈ પરમાર ઉવ.૫૨એ તા.૨૪/૧૨ ના રોજ કોઈ કારણસર પોતાના ઘરે એસિડ પી લીધું હતું. જેથી તેમને તાત્કાલિક રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તા. ૨૫/૧૨ના રોજ સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
અપમૃત્યુનો બીજો બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળીયારાજ ગામે નોંધાયો હતો. જ્યાં શ્રમિક પરિવાર કપાસની વાડીમાં કામ કરતા હોય ત્યારે તેમના ૮ માસના દીકરાને વાડીના શેઢે ઉભેલ ટ્રેક્ટરના છાયામાં બેસાડેલ હતો, તે દરમિયાન બાળકો રમતા ટ્રેક્ટર ઉપર રમતા હતા ત્યારે ટ્રેક્ટર થોડું આગળ સરકતા, ટ્રેક્ટરનું ટાયર ૮ માસના માસુમ કિર્તનભાઈ હુમલાભાઈ ભગુભાઈ માવીના શરીર પર ફરી વળતા, બાળકને ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગત મુજબ, હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા ઉવ.૩૪ નામનો યુવક કોઈ કામધંધો કરતો ન હોય જે બાબતે માતાપિતા દ્વારા તેને ઠપકો આપતા, જે બાબતનું લાગી આવતા, મૃતક અજયભાઈએ ગત તા.૨૪/૧૨ ના રોજ પોતાના રહેણાક મકાનમાં એકલતાનો લાભ લઈ લોખંડની એંગલ સાથે વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.









