મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક ઓવરબ્રિઝ ઉપર ડમ્પરે ઇકો કારના પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા, ઇકો કાર ચાલક સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતની ઘટના મામલે ઇકો-કાર ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક ઓવરબ્રિઝ ઉપર ડમ્પર રજી.નં. જીજે-૩૯-ટી-૧૩૩૪ ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ અને બેફિકરાઈથી ચલાવી આવીને આગળ જઈ રહેલ ઇકો કાર રજી.નં.જીજે-૩૬-એએફ-૦૬૮૪ના ઠાઠામાં જોરદાર અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક વિનોદકુમાર અશોકકુમાર ઉવ-૨૨ રહે.દીયાન પેપરમીલના લેબર ક્વાર્ટરમા રાતાવીડા તા-વાકાનેર મુળગામ-રાયપરા, પોસ્ટ-રાયપુરા જી-ચિત્રકુટ(ઉત્તરપ્રદેશ) સહિત સંજુસિઘ ઠાકુર તથા ઉમેશ યાદવ તથા શીવઅવરતા વર્મા એમ ચાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી, ત્યારે સારવાર દરમિયાન શીવઅવરતા મંગીયાભાઈ વર્માને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિનોદકુમારની ફરિયાદને આધારે પોલીસે ડમ્પર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.