મોરબીમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની રાવ ઉઠતા જ પોલીસ તંત્ર દ્વારા રેઈડ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા જેકસ સીરામીક પાસે રેઈડ કરવામાં આવી હતી. અને ત્રણ શખ્સોની દેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જેકસ સીરામીક પાસે બાવળની ઝાડીમાં દેશી દારૂ છુપાડવામાં આવ્યો છે. અને તેનું ચોરી છુપીથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે હકીકતના આધારે મોરબી તાલુકા પોલીસે સ્થળ પર રેઈડ કરી અમિતભાઇ લાભુભાઇ વરાણીયા કોળી (રહે.ત્રાજપર એસ્સારપંપ પાછળ તા.જી.મોરબી), બરકતશા ઉર્ફે ભાણો અલીશા શાહમદાર ફકીર (રહે.મોરબી-૨ એલ.ઇ.કોલેજ પાસે સ્વામિનારાયણ મંદિર પાછળ જી.મોરબી) તથા રાજેશભાઇ પ્રતાપભાઇ દેણીયા કોળી (રહે.મોરબી-૨ વીસીપરા રાજ બેકરી સામે જી.મોરબી) નામના શખ્સોને ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર લાસ્ટિકના ૬ બાચકામાં ૨૫૦ મીલી કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકની અલગ-અલગ ૬૦૦ કોથળીઓમાં ભરેલ રૂ.૩૦૦૦ની કિંમતનો ૧૫૦ લિટર કેફી પ્રવાહી દેશીદારૂનાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. ત્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, તેના અન્ય સાથી રમેશભાઇ પરસોતમભાઇ વરાણીયા (રહે.ત્રાજપર એસ્સારપંપ પાછળ તા.જી.મોરબી)ના કહેવાથી તેઓએ સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા મિંયાણા (રહે.મોરબી-૦૨ માળીયા વનાળીયા સોસાયટી) પાસેથી આ જથ્થો મેળવી વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખેલ હોય ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી ફરાર બંને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.