વાંકાનેર તાલુકાના જોધપર ગામે માર્ગ ઉપરથી ભેંસ-ઘેટાં સાઈડમાં કરાવવા બાબતે સર્જાયેલા વિવાદમાં તેમજ જુના ઝઘડાનો ખાર રાખી ખેડૂત ઉપર ત્રણ ઈસમોએ ધારીયા, લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ઇજા પહોચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્ત ખેડૂતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ખેડૂત અકબરભાઈ વલીમામદભાઈ શેરસિયા ઉવ.૩૯ તેમનું ટ્રેક્ટર લઈને પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈસરાયલભાઈની વાડી નજીક રસ્તા પર ભેંસ અને ઘેટા લઈ જતા ગામના વિપુલભાઈ છેલાભાઈ ટોળીયા તથા વિજયભાઈ ઉર્ફે ગાંડિયો છેલાભાઈ ટોળીયાને સાઈડ કરવાનું કહેતા બંનેને સારું નહિ લાગતા, અકબરભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપી વિજયભાઈએ અચાનક ઉશ્કેરાઈ જઈ તેમની પાસે રહેલા ધારીયાથી હુમલો કર્યો હતો, જે અકબરભાઈના માથા પર વાગતા તેઓ લોહી-લુહાણ થયા. ત્યારબાદ વિપુલભાઈએ લાકડી વડે માથામાં ઘા માર્યો અને આ દરમિયાન સુરેશભાઈ પબાભાઈ ટોળીયાએ લોખંડના પાઈપ વડે પગ પર ઘા કર્યો હતો. હુમલા બાદ ત્રણે આરોપીઓએ અકબરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. જો કે, હુમલાનું કારણ અગાઉ વાડીમા ઢોર ચરાવવાની ના પાડી હતી તે વિવાદનો ખાર રાખીને પણ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે, હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.