ટીફીનમાં રોટલી સારી ગુણવત્તાવાળી ન આવતી હોવાનું કહેતા રસોઈ બનાવતા મારાજ વિફર્યા.
હળવદ તાલુકાના કીડી ગામે રસોઈ બનાવતા મારાજ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ટીફીનમાં આવતી રોટલી સારી ન હોવાનું કહેતા આધેડ સહિત બે વ્યક્તિ સાથે ઝપાઝપી કરી, લાકડાના ધોકા, પાઇપ સહિતના હથિયારો વડે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, મૂળ હલરા તા.ભચાઉ જી.કચ્છના વતની હાલ હળવદ તાલુકાના કીડી ગામે રહેતા દેવાભાઇ રાણાભાઇ ભુંભરીયા ઉવ.૪૦ એ હળવદ પોલીસ મથકમાં આરોપી મનુભાઇ મારાજ રહે.કીડી તા.હળવદ તથા બે અજાણ્યા શખ્સો સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઈ તા.૦૭/૦૪ના રોજ કીડી ગામની સીમમાં મીઠાના ગંજ પાસે બનેલ ઘટનામાં ફરીયાદી દેવાભાઈએ આરોપી મનુભાઈ મારાજને ટીફીનમા રોટલી સારી ન આવતી હોય જે બાબતે કહેતા, આરોપી મનુભાઈને સારૂ નહી લાગતા, ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા તથા પાઇપ વડે ફરિયાદી દેવાભાઈ તથા સાહેદ જેમાભાઇ રબારીને શરીરે આડેધડ માર મારી, મુંઢ ઇજાઓ કરી ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી હતી, ત્યારે સમગ્ર બનાવ બાદ હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ દેવાભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ તાંતગ જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.