મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનને બાકી નીકળતો પગાર ચૂકવવાને બદલે માર મારી પોતાનું પગરખું મોઢામાં લેવડાવી અમાનવીય કૃત્ય આચરનાર કહેવાતી રાણીબા સહીત ત્રણ લોકોએ ગઈકાલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ આજે વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં અનુસૂચિત જાતિના યુવાનને પગાર માંગવા બાબતે ઢોર માર મારીને મોઢામાં ચપ્પલ લેવડાવવા મામલે પોલીસે વિભૂતિ પટેલ ઉપર રાણીબા સહિત બાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેને પગલે આ ગુનાનાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલે ગઇકાલે સરેન્ડર કર્યું હતું. તેમજ અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. જે બાદ આજે વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. અને પરીક્ષિત ભગલાણી, ક્રિશ મેરજા અને પ્રીત વડસોલા નામના આરોપીની ધરપકડ કરી છે. જે મળી પોલીસે અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓને પકડી પાડયા છે જેમાં અગાઉ ઝડપાયેલ ડી . ડી.રબારી હાલમાં જેલ હવાલે છે એને ગઇકાલે હાજર થયેલ ત્રણ અને આજે ઝડપાયેલ ત્રણ મળી કુલ છ આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.









