મોરબીમાં મિત્ર પાસેથી લીધેલા ૧૮ લાખ પરત ના આપવા પડે એ માટે પોતાના જ મિત્રની કરેલી કરપીણ હત્યાની આખી કહાની બહાર આવી છે. જે બનાવમાં આરોપીના આજ રોજ રિમાન્ડ પૂર્ણ થતા તેને ફરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેના કોર્ટ દ્વારા આજ રોજ વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર એક મહિના કરતાં વધુ સમયથી ગુમ હતો જેથી તેના ભાઈએ એક શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી અને તેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા જેની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ ગુમ થયેલા યુવાનની હત્યા કરી નાખી હોવાની પોલીસને કબૂલાત આપેલ હતી. જેથી પોલીસે આરોપીએ આપેલ માહિતી મુજબ માણેકવાડા ગામ નજીક ખાડો ખોદીને દાટી દીધેલ ટ્રાન્સપોર્ટરની લાશને કબ્જે કરી છે. ત્યારે હજુ તપાસમાં અનેક સવાલોના જવાબ મેળવવાના બાકી હોવાથી અને આરોપીના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેના કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. અને પોલીસ દ્વારા કોર્ટ પાસે વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આરોપી જીતેન્દ્ર ગજીયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.