મોરબીના મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા બદલવાની કામગીરીને કારણે રવિવારે સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-2 ડેમ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ 2 દરવાજા 2 ફૂટ ખોલી 1400 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે હવે રાત્રે 10 વાગ્યે પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવશે.
મોરબીના મહાકાય મચ્છુ-2 ડેમના 38 પૈકી 5 દરવાજા બદલાવા પડે તેમ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી મચ્છુ-2 ડેમને ખાલી કરવા માટે બે દરવાજા ખોલી અંદાજે 1308 ક્યુસેક જેટલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે 10 વાગ્યે પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવશે. હાલમાં 1308 ક્યુસેક પ્રવાહથી પાણીની જાવક ચાલુ છે. જે રાત્રે 3245 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવશે. તેમજ હેઠવાસમાં આવતા મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ અપાયું છે. પાણી છોડવાને કારણે કોઈ જગ્યાએ જાનમાલને નુકશાન થવાનો બનાવ બનેલ નથી. તેમજ મચ્છુ -2 ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા મચ્છુ નદી મારફતે પાણી છેક માળીયા મિયાણા સુધી પહોંચનાર હોય મોરબીના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી, રવાપર નદિ તથા વજેપર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર અને ફાટસર સહિતના 11 ગામ સહિત 34 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.