હાલ ચોમાસાની સીઝન ચાલુ છે. જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો બહાર ન્હાવા જતા હોય છે. ત્યારે ઘણીવખત લોકોના પાણીમાં ગરકાવ થવાના તથા પગ લપસતાં પાણીમાં તણાઈ જવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે આવા જ અલગ-અલગ સ્થળોએ પાણીમાં તણાઈ જવાના ત્રણ બનાવમાં ત્રણ લોકોના મૃતદેહ મોરબી ફાયર ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આજરોજ મોરબી ફાયર ટીમ દ્વારા અલગ અલગ ત્રણ સ્થળો પર ડૂબી ગયેલ ત્રણ લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
જેમાં પ્રથમ બનાવમાં મચ્છુ ૦૨ ડેમમાં પડી ગયેલ ચંદુભાઈ નરસીભાઈ અગેસનિયા નામના શખ્સનાં મૃત હાલતમાં શોધી કાઢવામાં આવ્યા છે.
જયારે બીજા બનાવમાં મિલેનિયમ પેપર મીલની બાજુમાં કેનાલમાં જુના રફાળીયા રોડથી આકાશ ચંદ્રપાલ વર્મા નામના શખ્સના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે.
તેમજ ત્રીજા બનાવમાં માળીયા મીયાણાના કુંતાસી ગામે એડ્રેસ રાજપરથી કુંતાસી જતા રોડ પાસે આવેલ ચેકડેમમાં પડી ગયેલ રામજીભાઈ રામાભાઇ પરમાર નામના શખ્સના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી ફાયર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફની કમી છે અને એક જ સમયે ત્રણ અલગ અલગ જગ્યાએથી કોલ મળતા ઓછા સ્ટાફના ફાયર ત્રણ ટીમો.બનાવવાની ફરજ પડી હતી છતાં પણ ફાયર ની ટીમે પ્રસંશનીય કામગીરી કરી હતી.