મોરબીના જાંબુડિયા ગામ પાસે થોડા દિવસો પહેલા પારકા ઝઘડામાં વચ્ચે પડ્યાની શંકાથી યુવાનની ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.દરમ્યાન આજે તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બે શખ્સોને શંકાસ્પદ 9 મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.આ ઉપરાંત અમરેલીમાં એસઓજીએ એક શખ્સને ઝડપી.લીધો હતો.આ ત્રણેય શખ્સે પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત યુવાનની હત્યા કર્યાની કબૂલાત આપતા આજે તાલુકા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના જાંબુડિયા ગામે આવેલ લેટીના સીરામીક ટાઇલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા વરસિંગભાઈ ફતીયાભાઈ વહોનિયાની ગત તા.31 ઓક્ટોબરે રાત્રે બાઈકમાં આવેલ ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.આ બનાવ અંગે મૃતકના પત્ની લીલાબેન ઉર્ફે લલિતાબેન વરસિંગભાઈ વહોનિયાએ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, કે આરોપીઓ તો કોઈ જૂની માથાકૂટનો ખાર રાખીને એક શખ્સને મારવા આવ્યા હતા.પણ એ શખ્સ બચીને ભાગી ગયો હતો.આથી આ ત્રણ શખ્સોની હાથે મૃતકના પતિ ચડી જતા તે પારકા ઝઘડામાં વચ્ચે પડ્યો હોવાથી શંકા કરીને આરોપીઓએ તેને પતાવી દીધો હતો.જોકે આ હત્યાના બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા.જેના આધારે તાલુકા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.દરમ્યાન આજે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહ્યો હતો.તે દરમ્યાન બાઈક પર નીકળેલા બે શખ્સો રમેશ ઉર્ફે રમલો ટપુ વાઘેલા અને હરસુર વાઘેલાની જડતી લેતા બન્ને પાસેથી 9 મોબાઈલ મળી સ્વંય હતા આથી પોલીસે આ અંગે પૂછપરછ કરતા બન્નેએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બન્ને શખ્સોને બાઈક અને 9 મોબાઈલ સાથે ઝડપી લીધા હતા અને બન્નેની વધુ સઘન પૂછપરછ કરતા તેઓએ જાંબુડિયા નજીક યુવાનની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.આ ઉપરાંત અમરેલીમાં એસઓજીના હાથે પકડાયેલા અક્ષર વાઘેલાએ પણ આ હત્યાની કબૂલાત આપતા પોલીસે આ ત્રણેય આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.