મોરબીમાં આપઘાત અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં કુલ ત્રણ અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રથમ બનાવમાં, મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં-એમ-૭૩૨ ખાતે રહેતા ડાયાભાઈ દલાભાઈ ચૌહાણ નામના આધેડ ગઈકાલે પોતાના ઘરે હતા. ત્યારે સવારના સમયે તેઓ બે માળના મકાનના ઘાબા ઉપરથી નીચે પડી જતા માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક તેમના પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે આધેડના મોટાં ભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, ઉતરપ્રદેશનાં ઇસોરા ખાતે રહેતા કુલદીપભાઇ નંદકિશોરભાઇ પ્રસાદ નામના યુવકનું ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર મોટ નીપજ્યું હોય જેની લાશ પાવડીયારી કેનાલ આઇકોલેસ સીરામીક કારખાના નજીક પડેલ હોય જે અંગેની મુકેશભાઇ વિસ્વદેવપ્રસાદ નામના શખ્સ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશ કબ્જે કરી અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં, વાંકાનેરના માટેલ ખાતે આવેલ અરમાન વીટ્રીફાય કારખાનામાં રહેતા ઉદયભાન રામકેવલ નામના વૃદ્ધને ગઈકાલે બપોરના સમયે અરમાન કારખનામાં કામ કરતી વેળાએ ઇલેકટ્રીક શોટ લાગતા તેઓને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.