મોરબી જીલ્લામાં માર્ગ અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં ત્રણથી વધારે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં મોરબી તાલુકાના આમરણ, માળીયા(મી)ના સરવડ અને વાંકાનેર તાલુકાના ભલગામ નજીક અલગ અલગ ત્રણ માર્ગ અકસ્માતના બનાવ નોંધાયા છે. ત્રણેય બનાવો અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં બીએનએસ અને એમ.વી. એક્ટ મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલા અને આમરણ ગામ વચ્ચે આવેલા બેઠા પુલિયા પાસે તા.૧૫/૦૨ના રોજ બપોરે ફોરવ્હીલ કાર નં. જીજે-૩૬-એપી-૪૩૦૭ના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારી ફરીયાદી આવેશભાઈ નુરમામદભાઈ સોઢા ઉવ ૩૭ રહે. હાલ હળવદ જી.આઇ.ડી.સી. માર્કેટ યાડની પાછળ ઝુપડામા મુળ રહે.બેલા(આમરણ) તા.જી.મોરબી વાળાના મોટરસાયકલને હડફેટે લેતા તેઓને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર સહિત ઇજાઓ પહોંચી હતી. હાલ તાલુકા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે અકસ્માતના બીજા બનાવમાં માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગર હાઈવે પર સરદારનગર(સરવડ) ગામના પાટિયા પાસે તા.૧૫/૦૨ના રોજ હોન્ડા સાઇન મોટરસાયકલ નં. જીજે-૨૩-એએ-૬૨૩૭ના ચાલકે અચાનક સાઇડ કાપતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરીયાદી પ્રભુલાલ અરજણભાઈ વાઘેલા ઉવ.૪૬ રહે-ઘુનડા ગામ(ખાનપર) તા.ટંકારા મુળ રહે.લુંટાવદર તા.જી.મોરબી વાળાને મોઢા અને નાકમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ તથા મોટર સાયકલમાં સવાર ફરિયાદીની દીકરી તથા ભત્રીજીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલ માળીયા(મી) પોલીસે આરોપી મોટર સાયકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત વાંકાનેર તાલુકાના ભલગામ ગામ પાસે હાઈવે રોડ પર તા. ૦૫/૦૨/૨૦૨૬ના રોજ મોટરસાયકલ નં. જીહે-૩૬-બીએ-૫૮૩૯ના ચાલકે ચાલીને જતા શ્રમિક બુડુભાઈ બસુભાઇ ગોડા ઉવ.૪૦ રહે.હાલ આદિત્ય કારખાનુ ભલગામ તા.વાંકાનેર મુળ રહે.પુડાબાડી ઓડીસા વાળાને પાછળથી ટક્કર મારી ઇજા પહોંચાડી અને આરોપી મોટર સાયકલ ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, તેને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.









