મોરબી જીલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં બનેલા ત્રણ બનાવોમાં ત્રણેય વ્યક્તિઓનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું. જેમાં જાંબુડીયા ખાતે કારખાનામાં ઓફિસના દરવાજાના કાચથી ઘાયલ થયેલા યુવાન, વાંકાનેરમાં અચાનક તબિયત બગડતા વૃદ્ધનું અને ટંકારા નજીક પ્લાન્ટમાં અકસ્માતે નીચે પડતા યુવાન મજૂરનું મોત થયું હતું. પોલીસે તમામ બનાવોમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લામાં ૨ ઓક્ટોબરના રોજ અપમૃત્યુના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવની વિગતો મુજબ, મોરબી તાલુકાના જાંબુડીયા ગામે કોલકો ગ્રેનાઈટ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા સુનકેશભાઈ ચનસિંહ ડાવર ઉવ.૨૬એ પોતાની જાતે કારખાનાની ઓફિસના કાચના દરવાજાને હાથ મારતાં કાચ તૂટ્યો હતો. જેના કારણે ગંભીર ઇજા થવાથી તેમને સારવાર માટે ખસેડાયા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના દિગ્વિજયનગર પેડક વિસ્તારમાં રહેતા બહાદુરખાન બૂરાનખાન પઠાન ઉવ.૭૯ સવારે સોસાયટીની દુકાન પાસે બેઠા હતા ત્યારે અચાનક તેમને શ્વાસની તકલીફ થતા બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનો તેઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને બીમારી સબબ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ ઉપરાંત ત્રીજા અમૃત્યુમાં, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલી એફ.આઈ.બી.સી. એલએલપી કંપનીમાં કામ કરતા આનંદભાઈ દયાશંકર બર્મા ઉવ.૨૫ મૂળ ઝાંસી ઉત્તરપ્રદેશ વાળા કારખાનાના સેડ ઉપર તૂટેલ અંજવાસીયુ બદલાવવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન પગ સરકતાં તેઓ નીચે પ્લાન્ટમાં પડી ગયા હતા. જેથી તેઓને માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ઉપરોક્ત ત્રણેય અપમૃત્યુના બનાવોમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.