મોરબીમાં ગઈકાલે તા.૩૦/૧૨ના રોજ ૧૦૧ ફાયર કંટ્રોલ રૂમમાં આગ લાગવાની ત્રણ અલગ અલગ ઘટનાઓના કૉલ આવ્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં લજાઈ નજીક બીજ કોર્પોરેશન કંપનીમાં આગ લાગવાની ઘટના નોંધાઈ હતી. બીજા બનાવમાં લાલપર વિસ્તારમાં વન વિભાગના જંગલમાં આગ લાગતા વાવેતર કરેલ ઝાડોને નુકસાન થયું હતું. જ્યારે ત્રીજા બનાવમાં ઘુંટુ રોડ પર હરીઑમ સોસાયટી સામે પંચરની દુકાનમાં પડેલા ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્રણેય બનાવોમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. મોરબી ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબી શહેરમાં ગઈકાલ તા.૩૦ ડિસેમ્બરના રોજ એક જ દિવસ દરમિયાન આગ લાગવાના ત્રણ જુદા જુદા બનાવો સામે આવ્યા હતા, જેના પગલે મોરબી ૧૦૧ ફાયર કંટ્રોલ રૂમ સતત સક્રિય રહ્યો હતો. પ્રથમ કૉલ સવારે અંદાજે ૧૧ વાગ્યે લજાઈ નજીક આવેલી બીજ કોર્પોરેશન કંપનીમાંથી મળ્યો હતો, જ્યાં કોઈ કારણસર આગ લાગી હતી. ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે બીજો બનાવ બપોરે ૩ વાગ્યે લાલપર વિસ્તારમાં આવેલ વન વિભાગના જંગલમાંથી સામે આવ્યો હતો. અહીં આગ લાગતા વન વિભાગ દ્વારા કરાયેલ વાવેતરના ઝાડોને નુકસાન પહોંચ્યું હતું. ફાયર વિભાગ અને વન વિભાગની સંયુક્ત કામગીરીથી આગને વધુ ફેલાતી રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત આગ લાગવાનો ત્રીજો બનાવ સાંજે ૬.૫૫ વાગ્યે ઘુંટુ રોડ પર હરીઑમ સોસાયટીની સામે આવેલી પંચરની દુકાનમાં નોંધાયો હતો. જેમાં દુકાન પાસે પડેલા ટાયરમાં અચાનક આગ લાગતા તમામ ટાયર બળી ખાખ થઈ ગયા હતા. ત્યારે ફાયર ટીમે ઝડપી કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેય આગના બનાવોમાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી. મોરબી ફાયર વિભાગની સમયસર અને અસરકારક કામગીરીને કારણે મોટી નુકસાનની ઘટના ટળી હતી.









