તાલુકા પોલીસે ચોરીમાં ગયેલ ટ્રેક્ટરની ટ્રોલી, રોટાવેટર, હલર તથા એક બાઇક મળી ૨.૮૫ લાખના મુદ્દામાલની રિકવરી કરી
વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલની થયેલ ચોરીમાં કુલ ત્રણ ચોરીની ફરિયાદ અત્રેના તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યારે તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગણતરીના દિવસોમાં ત્રણેય ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ચોર ઇસમને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એલ.એ ભરગા તથા એએસઆઇ ચમનભાઇ ચાવડા, પો.કોન્સ વિજયભાઇ ડાંગરને સંયુકતમાં મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલની થયેલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ચોર આરોપી સોંડાભાઇ શીવાભાઇ સેફાત્રા(મીર) ઉવ ૨૯ રહે.ખેતરડી તા.હળવદ, સાજણભાઇ રણમલભાઇ ઉર્ફે જુગાભાઇ ચાવડા જાતે.ભરવાડ ઉવ.૨૮ રહે. કોઠી ગામ તા.વાંકાનેર તથા રાહુલભાઇ ઉર્ફે ભુરાભાઇ બચુભાઇ સેફાત્રા(મીર) ઉવ.રર રહે.ખેતરડી તા.હળવદવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સાથે ચોરી કરેલ ટ્રેકટરની ટોલી, રોટાવેટર, એક હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા હલર(થ્રેશર) એમ મળી કુલ કિ.રૂ.૨,૮૫,૦૦૦ /- ના મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો હતો. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓની અટકાયત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.