ત્રણેય દુકાનોમાં ફાયર સેફટી માટેના પૂરતા સાધનો પણ ન હોવાનું સામે આવ્યું
મોરબીમાં પુરવઠા વિભાગ દ્વારા અધિકારીઓની એક ટીમ બનાવી શહેરમાં એલપીજી ગેસ સિલિન્ડરનું છૂટક વેચાણ કરતા દુકાનદારોની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં મોરબીની પરાબજારમાં ત્રણ દુકાનોમાં એલપીજી ગેસ સિલિન્ડરની મંજૂરી કરતા વધારે સિલિન્ડરનો જથ્થો મળી આવતા ત્રણેય દુકાનોમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાય હતી.
મોરમીમાં પુરવઠા વિભાગના અધિકારી, જીલ્લા ફાયર વિભાગ ટીમ તથા નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજાર કહેવાતી પરાબજારમાં છૂટક એલપીજીના સિલિન્ડર વેંચતા દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એલપીજી સિલિન્ડરનો જથ્થો રાખી વેચાણ કરવાની મંજૂરી હોય પરંતુ મંજૂરી કરતા વધારે જથ્થો રાખનાર ત્રણ દુકાન રાજ ટ્રેડ પોઇન્ટ, દેવચંદ વશરામ એન્ડ સન્સ તથા બુરહની ટ્રેડર્સ નામની દુકાનોને સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નગર દરવાજા જેવા અતિ ટ્રાફિકથી ધમધમતા અને હજારો લોકોની આવન જાવન વાળી પરાબજારમાં છૂટક એલપીજી સિલિન્ડરનું વેચાણ કરતી દુકાનોમાં દુકાનદારો દ્વારા ફાયર સેફટીના પૂરતા સાધનો પણ રાખવામાં આવ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પુરવઠા વિભાગ, ફાયર વિભાગ તથા પાલિકા દ્વારા કરવામાં આવેલ કડક કાર્યવાહી થઈ ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ સિલિન્ડરનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.