ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સ્તરે ક્વિઝ માટે મોરબીના ૩ વિદ્યાર્થીઓની પસંદગી
મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સ્ટેમ ક્વિઝ ૩.૦ નું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર,મોરબી દ્વારા મોરબી જીલ્લાની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ના ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જેમાંથી ઓનલાઈન સ્પર્ધા દ્વારા ટોચના ૧૦ વિદ્યાર્થીઓની તાલુકા કક્ષા પર પસંદગી કરવામાં આવી હતી. જેમાં ટંકારા, વાંકાનેર, અને મોરબી જેવા તાલુકાઓમાંથી ટોચના ૧૦ વિદ્યાર્થીઓ રિજિયોનલ સાયન્સ સેન્ટર,ભૂજ ખાતે ઝોન કક્ષા સ્પર્ધામાં ભાગ લીધો હતો આમાંથી મોરબી જીલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્ય સ્તર પર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
જેમાં આયુષી જીતેન્દ્રભાઈ માકાસણા(નાલંદા વિદ્યાલય, મોરબી), રોહિત ભરતભાઈ બાવરીયા(વી.એસ. હાઈસ્કૂલ, વાંકાનેર), પ્રિયંકા મનીષભાઈ બારૈયા (ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારા) એમ ત્રણ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. જેમની સાથે ટંકારા તાલુકાના કોર્ડીનેટર અને ઓરપેટ શાળાના આચાર્ય અસ્મિતાબેન ગામી વાંકાનેર તાલુકાના કોડીનેટર અને એલ કે સંઘવીના શાળાના આચાર્ય દર્શનાબેન જાની વિદ્યાર્થીઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ઝોન કક્ષાની સ્પર્ધામાં રિઝિયોનલ સાયન્સ સેન્ટર ભૂજ ખાતે બધા જ તાલુકાના પાંચમા અને છઠ્ઠા નંબરે આવેલા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યાં અને આમાંથી ટોપ ૪ વિદ્યાર્થી જે હવે રાજ્યની ક્વિઝ માટે ગાંધીનગર સાયન્સ સીટી ખાતે રમવા જશે ત્યાં તેમને ટેબલેટ થ્રી ડી પ્રિન્ટર તેમજ રોબેટિક કીટ આપવામાં આવશે.
મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર આ તમામ ટોપ ફોર વિદ્યાર્થીઓને મોરબી જીલ્લાના શિક્ષણ અધિકારી કમલેશ મોતા, પ્રવિણભાઈ અંબારીયા તેમજ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ તથા કો-ઓડીનેટર દીપેન ભટ્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.