ઔદ્યોગિક સીરામીક સિટી તરીકે જાણીતા મોરબી શહેરનું રેલ્વે સ્ટેશન ૯.૯૮ કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. મોરબીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો અને ઉદ્યોગકારોને ઉપયોગી લાંબા અંતરની કોઈ ટ્રેન મળી ન હોવાથી એક અસંતોષની લાગણી જોવા મળે છે. જેને લઇને મોરબી પત્રકાર એસોસિએશન આગળ આવી યોગ્ય જગ્યાએ રજૂઆત કરી લાંબા અંતરની ટ્રેનો માટે માંગ કરાઇ છે. તેમજ વાંકાનેર રેલવે સ્ટેશન માટે ત્રણ ટ્રેનને સ્ટોપ આપવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ઉદ્યોગોમાં અનેક પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યા છે. ત્યારે તેમને વતન જવા માટે સીધી ટ્રેનની કોઈ વ્યવસ્થા નથી. તેમજ અમદાવાદ કે મુંબઈની ડેઇલી ટ્રેન પણ નથી. જેને લઇને જે તે સંસ્થાઓ દ્વારા ઉચ્ચ લેવલે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવી ન હતી. અંતે મોરબીના પત્રકારોએ આગળ આવી મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા સ્ટેશન માસ્તરને આવેદન પાઠવી સાંસદ,ધારાસભ્ય સહિતનાને રજૂઆત કરી હતી. જે રજૂઆત ને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે જીએમ દ્વારા માંગને યોગ્ય ગણાવી યોગ્ય જગ્યાએ લોકોની લાગણી અને માંગણી પહોચાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પત્રકાર એસોસિએશન દ્વારા લાંબા અંતરની ટ્રેન આપવા ઉપરાંત વાંકાનેર ખાતે સ્ટોપ આવવા માટે પણ રજૂઆત કરાઈ હતી. જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ ટ્રેનનો વાંકાનેર ખાતે સ્ટોપ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં દર બુધવાર અને ગુરુવારે આવતી પોરબંદર – શાલિમાર એકસપ્રેસ, પોરબંદર – સાંત્રાગાચ્છી કવિ ગુરુ એકસપ્રેસ ટ્રેન વાંકાનેર ઊભી રહેશે. જે ટ્રેન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને રાજસ્થાન સાથે સંકળાયેલી છે. જે ટ્રેનની કનેક્શન વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન સાથે આપવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લાના મુસાફરો, સિરામીક સહિતના ઉદ્યોગકારો, પરપ્રાંતિય મજૂરોને અવર જવર માં સીધો લાભ મળશે. તેમજ મોરબી રેલવે સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેન કચ્છથી ડાયવર્ટ કરી આપવાની વિચારણા ચાલી રહી છે તેમ પણ રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.