મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક જ દિવસે અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા છે. જેમાં જોધપર નદી ગામમાં એસિડ પીવાથી, પાવળીયારી કેનાલ પાસે કારખાનાની લેબર કોલોનીમાં અચાનક મોત અને લગધીરપુર રોડ પર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ મોત થયાના બનાવો સામે આવ્યા છે. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુનો પ્રથમ બનાવ મોરબી તાલુકાના જોધપર નદી ગામમાં નોંધાયો હતો. જેમાં સંજયભાઈ માધવદાસ દેવમુરારી ઉવ.૫૧ રહે. જોધપર નદી ગામ વાળા લાંબા સમયથી પગની પળીયાની બીમારીથી પીડાતા હોવાથી કંટાળી પોતાના ઘરે કોઈ પણ સમયે એસિડ પી લીધું હતું. બાદમાં તેમને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ બાબતે તાલુકા પોલીસે અ.મોત નોંધવામાં આવી છે.
જ્યારે બીજો બનાવ પાવળીયારી કેનાલ પાસે આવેલી લીમોજા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં નોંધાયો હતો. અહીં રહેતા ધર્મેન્દ્ર પ્રભુલાલ જંશવત ઉવ.૩૨નું કોઈ કારણસર પોતાના રૂમમાં જ અચાનક મોત નીપજ્યું હતું. જેથી મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત ત્રીજો બનાવ લગધીરપુર રોડ પર આવેલી ઓક્ટીવા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં સામે આવ્યો હતો. અહીં રહેતા રામઅવતાર રામનિવાસ પાલ એ કોઈ કારણસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોતને ભેટ્યા હતા. લાશને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે અ.મોત નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









