છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમાં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબીના આમરણ ગામની સીમમાં પત્તા રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, આમરણ ગામની સીમ, લખુભાઇના ખેતરની બાજુમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે તેઓએ સ્થળ પર રેઇડ કરી હતી. અને જુગાર રમતા છગનભાઇ ખોડાભાઇ ગાંભવા (પટેલ) (રહે. દવાખાના વાળી શેરી નવા આમરણ, તા.જી.મોરબી), લખમણભાઇ ભલાભાઇ પરમાર (રહે. ઇન્દીરાવાસ આમરણ, તા.જી.મોરબી) તથા માલાભાઇ નાનજીભાઇ પરમાર (રહે. દરબારીવાસ જુના આમરણ, તા.જી.મોરબી)ને પકડી પાડ્યા હતા. તેમજ તેમની પાસે રહેલ રોકડા રૂ.૧૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધ્યો હતો.