માળીયા(મી) તાલુકાના નવલખી જતાં રોડ પર શીવાંશ કોલ સામે સી.એન.જી. રીક્ષાના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બુલેટ અને સ્પ્લેન્ડર બાઇકને ટક્કર મારી ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો. જેમાં સ્પ્લેન્ડર અને બુલેટ ચાલક તેમજ રીક્ષામાં પાછળની સીટમાં બેસેલ સગીર સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે.જ્યારે રીક્ષા ચાલક સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે માળીયા(મી) પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
માળીયા(મી) તાલુકાના મોટાદહીંસરા અને વર્ષામેડી વચ્ચેના નવલખી જતા રોડ પર શીવાંશ કોલ સામે બનેલા ગંભીર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા અને બેને ગંભીર ઇજા પહોંચી છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ તા. ૧૯/૧૦ની મધરાતે રીક્ષા રજી. નં. જીજે-૩૯-યુ-૦૩૯૮ ના ચાલકે પોતાનું વાહન બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રસ્તા ઉપર જઈ રહેલ સ્પ્લેન્ડર બાઇક રજી. નં. કીજે-૩૭-ક્યુ-૨૧૫૬ અને બુલેટ બાઇક રજી. નં. જીજે-૩૬-એચ-૪૯૪૯ સાથે અથડામણ કરતા ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર બાઇક ચાલક સમીરભાઈ રહેમનભાઈ મુસાણી ઉવ.૨૨ રહે. મકરાણીવાસ મોરબી, બુલેટ ચાલક ઈમરાનશા સમીરશા સહમદાર ઉવ.૧૮ રહે. મકરાણીવાસ મોરબી અને રીક્ષામાં બેસેલા રહીમભાઈ અવેસભાઈ સંધવાણી ઉવ.૧૬ રહે. કાજરડા વાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકો ઝીંઝુડા ખાતે ઉર્ષમાં જતાં હતાં ત્યારે આ અકસ્માત બન્યો હતો. આ સિવાય અબ્દુલભાઈ અબ્બાસભાઈ કાજડિયા ઉવ.૩૦ રહે. કાજરડા સહિત બે અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ છે જેઓ હાલ સારવાર હેઠળ છે. અકસ્માતના આ બનાવ અંગે ફરીયાદી મહમદભાઈ હાજીભાઈ મુસાણી ઉવ.૪૦ રહે. મકરાણીવાસ મોરબી વાળાએ માળીયા(મી) પોલીસ મથકે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.