Friday, September 20, 2024
HomeGujaratરાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ...

રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા મુખ્યમંત્રીનો આદેશ

રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમણે આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિજય રૂપાણીએ આ સુચનાઓ આપી હતી. બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાવાની મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ પાસાંઓ સંદર્ભે ચર્ચા-વિચારણા કરીને આ બેઠકમાં કેટલાક વધુ નિર્ણયો પણ કર્યા હતા.

બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ(ગૃહ) પંકજકુમાર, રાજય પોલીસ વડા આશીષ ભાટીયા, ચીફ કમિશ્નર(જી.એસ.ટી) જે.પી.ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદ, નાણાં સચિવ મિલિંદ તોરવણે, ઓઈલ માર્કેટીંગ કંપનીના સ્ટેટ લેવલ કો-ઓર્ડીનેટર અન્ના દુરાઈ, સહિતના વિવિધ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ SLCની રચના કરીને તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ કમિટિ નિયમીત ધોરણે આ બાબતોની સમીક્ષા દેખરેખ રાખે તેવી સૂચના પણ મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં આપી હતી એટલું જ નહિ, બાયોડિઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણ એ રાજ્ય સરકારની આવકને નુકશાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આવા બાયોડિઝલના નામે ભળતા સોલવંટ, પેટ્રોલિયમ પદાર્થો વગેરેની થતી આયાતને પણ સદંતર અટકાવવાની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ભારત સરકારની બાયોડિઝલ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું તે સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં, હાલ બાયોડિઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડિઝલના છૂટક વેચાણને કે રીટેઇલ આઉટલેટ મારફતે બાયોડિઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી. આ સંજોગોમાં બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટલેટ મારફતે કરી શકાશે નહિ, ફકત ઓઇલ માર્કેટીંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરીને વેચાણ કરી શકશે. ઓઇલ માર્કેટીંગ કંપની સિવાયનું તમામ વેચાણ ગેરકાયદેસર ગણાશે એવું સ્પષ્ટપણે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. બાયોડિઝલને હાઇસ્પીડ ડિઝલમાં નિયત માત્રામાં મિક્ષ / બ્લેન્ડીંગ કરીને ઉપયોગ કરવાની ભારત સરકારની નીતિ છે. આના પરિણામે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટશે તેમજ પેટ્રોલિયમ પેદાશો પર થતા વિદેશી હૂંડિયામણમાં પણ ઘટાડો થશે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા પરામર્શ હાથ ધરવામાં આવ્યો હતો.

શુદ્ધ બાયોડિઝલનું ઉત્પાદન જેટ્રોફા, કરંજતેલ, બળેલા તેલ વગેરેમાંથી મિથાઇલ અથવા ઇથાઇલ એસ્ટરના મિશ્રણથી થતું હોય છે. આવું શુદ્ધ બાયોડિઝલ બનાવતા MSME સહિતના ઊદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને પણ પૂરક આવક મળી રહે તેવા હેતુથી આવા ઉત્પાદકો-ઊદ્યોગ સાહસિકોને GPCBની તેમજ અન્ય નિયત મંજૂરીઓ મેળવી ઓઇલ માર્કેટીંગ કંપનીઓને હાઇસ્પીડ ડિઝલ સાથે મિશ્રણ કરવા અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકે તે સંદર્ભની સૂચનાઓ-માર્ગદર્શિકા આગામી દિવસોમાં જાહેર કરવા અંગે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં પરામર્શ થયો હતો. આવા ઉત્પાદન અને વેચાણની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. એટલું જ નહિ, આ અંગે ઉત્પાદન અને વેચાણની વિગતોના યોગ્ય રેકોર્ડ પણ તેમણે નિભાવવાના રહેશે એ બાબતે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં બાયોડિઝલ નીતિ અંગેનું વિગતવાર પ્રેઝન્ટેશન અન્ન, નાગરિક પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદે પ્રસ્તુત કર્યુ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!