ટંકારા : સમગ્ર દેશમાં જ નહીં બલ્કે નેપાળ, આફ્રિકા અને શ્રીલંકા જેવા દેશોમાં ઇમિટેશન આભૂષણ તૈયાર કરી મોકલનાર ટંકારાના ગૃહ ઉદ્યોગની હાલ માઠી બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે મીની લોકડાઉનની સીધી જ અસર પડતા હાલમાં ઇમિટેશન આભૂષણો તૈયાર કરીને રોજી રોટી મેળવતા કામદારોની હાલત કફોડી બની ગઈ છે.
ટંકારા શહેર અને તાલુકામાં ઇમિટેશન આભૂષણ બનાવવાનો ગૃહ ઉદ્યોગ છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોને ઘેરબેઠા રોજગારી આપતો હતો પરંતુ કોરોના મહામારીની બીજી લહેર બાદ રાજ્યના અન્ય શહેરોમાં મીની લોકડાઉન અમલી બનતા શહેરોના ધંધા રોજગાર બંધ થવાથી ટંકારામાં મીની લોકડાઉન વગર જ આ ઇમિટેશન ઉદ્યોગમાં લોકડાઉન થઈ ગયું છે.
હાલમાં ટંકારા પંથકમાં ઇમિટેશન આભૂષણના કાચા માલના ધર ભર્યા છે પરંતુ અન્ય રાજ્યોમાં કોરોના પ્રકોપ વચ્ચે લોકડાઉન અમલી હોવાથી તમામ વ્યાપાર બંધ થતાં સ્થાનિક ઉપરાંત બહારના ઓર્ડર મળવા પણ બંધ થતાં ઇમિટેશનના ધંધાર્થીઓ અને કારીગરો બેકાર બન્યા છે. નોંધનીય છે કે ટંકારા શહેરના અંદાજે એક હજારથી વધુ પરીવારને ઈમિટેશન ઉધોગ રોજગારી આપતુ હતું. ઉપરાંત તાલુકાના ગામડાઓમા પણ આ ઉધોગ ખુબ ફુલ્યો ફાલ્યો છે અને ઘેરબેઠા કામ થતું હોય સૌથી વધુ સ્ત્રીઓ ટંકારા પંથકમાં ઈમિટેશન થકી આમદની મેળવી પુરૂષ સમોવડી બની છે પરંતુ છેલ્લા બે મહિનામાં ઇમિટેશન ઉદ્યોગ ભાંગીને ભુક્કો થઈ જતા રોજગારી મેળવતા લોકોની હાલત કફોડી બની છે.