મોરબી શહેરમાં ભુગર્ભ ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ હાઇવે માર્ગો પર ઉભરાતી ગટર લાઈન પણ માથાના દુખાવા સમાન બની છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામા ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આજ રોજ બુઢાબાવા વાળી શેરી, વેપારી મિત્ર મંડળ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગટર ઉભરાવાની સમસ્યાને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સાથે જ પાલિકાના કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો અપાતા હોવાની રાવ કરતા જિલ્લા કલેકટર લાલઘૂમ થયા હતા અને અધિકારીઓ અરજદારો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જ પાલિકાના કર્મચારીઓની ઝાટકણી કાઢી હતી.
રોજ બરોજ મોરબી નગરપાલિકામાં ગટર પાણી પ્રશ્ને અલગ અલગ વિસ્તારોના ટોળા આવતા હોય છે પરંતુ મોટાભાગના લોકો માત્ર આશ્વાસન લાઈને પરત મોકલી દેવામાં આવે છે અને અધિકારીઓ જ્યારે પૂછે છે ત્યારે મોરબી પાલિકાના સતાધીશો “પાલીકા માં પૈસાની તંગી”નુ બહાનું ધરી દેતા હોય છે પરંતુ નિયમિત સફાઈ કરવામાં પૈસાની તંગી નો પ્રશ્ન આડે આવતો નથી તેવામાં આજે મોરબી નગરપાલિકા ખાતે કલેકટરની હાજરીમાં નહેરુગેટ નજીક આવેલ નાસ્તગલી બુઢાબાવા વાળી શેરી, વેપારી મિત્ર મંડળ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. અને મોરબીના નેહરુ ગેટ વિસ્તારમાં ગટર ઉભરાવાની પ્રશ્નેને લઈને વેપારીઓએ રજૂઆત કરી હતી. જોકે, મોરબી નગરપાલિકા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં પાલિકાના અધિકારી અને કર્મચારીઓની મિટિંગ ચાલુ હતી . ત્યારે પાંચ દિવસથી ગંદકીથી પરેશાન વેપારીઓની ધીરજ ખૂટી હતી.અનેક રજુઆત કરવા છતાં પાલિકાની નક્કર કામગીરીના અભાવે ગંદકીની સ્થિતિ યથાવત રહેતા જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને રજુઆત કરવા વેપારીઓએ જીદ પકડી હતી. જે બાદ તેઓએ કલેક્ટરને મળી આવેદન પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે, બુઢાબાવા વાળી શેરી, વેપારી મિત્ર મંડળનાં વેપારીઓ ગટરનાં પાણીની સમસ્યાને લઈ ત્રસ્ત થયા છે. આ અંગે અગાઉ તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને અરજી કરાઈ હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અને પાણી અત્યંત દુર્ગંધ વાળું હોય જે વેપારીઓની દુકાનમાં પણ દુર્ગંધ મારતું હોય જેના કારણે વેપારીઓને વેપાર-રોજગાર બંધ કરવાની સ્થિતિ ઉભી થઇ છે. જેને લઈ આ સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવા મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.