રાજકોટમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડને બદલે રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં સતત વધી રહેલા વાહનોના પગલે શહેરમાં ટ્રાફિક ભંગના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમજ લોકોના ટ્રાફિકના નિયમોની ઓછી જાગૃતિના લીધે આ પ્રકારના કેસો વધી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે. જો કે તેમ છતાં ટ્રાફિકના નિયમોના ભંગ બાદ પોલીસ અને લોકો વચ્ચે અનેકવાર ઘર્ષણ પણ સર્જાય છે. તેથી ટ્રાફિક પોલીસ ઈચ્છે છે કે લોકો કાયદાનું પાલન કરે અને ટ્રાફિક નિયમનમાં પોલીસને સહકાર આપે. જો કે તેમ છતાં લોકો દ્વારા આડેધડ ટ્રાફિક નિયમોના ભંગ કરવામાં આવી રહ્યા છે. જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર લોકોને નિયમોની જાગૃતિ માટે નવા નવા પ્રયોગો હાથ ધરવા પડે છે. ત્યારે રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમના ભંગ કરતા લોકોને રાખડી બાંધી નિયમ પાલન કરવા વિનંતી કરવામાં આવી હતી.