માર્ગ અકસ્માતમા અનેક લોકોના મોત થાય છે. ગફલત ભરી રીતે ડ્રાયવિંગ કરી અનેક લોકો મોતને આમંત્રણ આપે છે. ભારતમાં દર એક લાખ લોકોએ 17 લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. જેને લઇ જાગૃતિ ફેલાવવાના હેતુથી ટંકારા તાલુકાના હડમતિયા ગામની “શ્રી કન્યા તાલુકા શાળા” માં માર્ગ સલામતી અને ટ્રાફિક સમસ્યાની સલામતી અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતમાં દર કલાકે ૧૫ લોકોનાં તથા દરરોજ ૨૦ બાળકોનાં મૃત્યુ અકસ્માતને કારણે થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર લોકોનો આંકડો વાર્ષિક પાંચ લાખ જેટલો છે. સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ માર્ગ સુરક્ષાની રીતે ચીન પછી ભારત બીજા ક્રમે છે. આપણા દેશમાં વિશ્વના ૧ ટકા જેટલાં વાહનો છે. પરંતુ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનો દર ૧૦ ટકા જેટલો છે. માટે આજે હડમતીયા કન્યા તાલુકા શાળામાં ધોરણના ૬ થી ૮ ના બાળકોને માર્ગ સલામતી અને ટ્રાફિક સંકેતો વિશે નીચે મુજબની માહિતી આપી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતીના ભાગરૂપે મહત્ત્વના ટ્રાફિક સંકેતોની જાણકારી આપતા બાળકોને ટ્રાફિક સંકેતોના ત્રણ પ્રકારો ફરજિયાત સંકેત, સાવધાની દર્શક સંકેત તથા માહિતીદર્શક સંકેતથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વિસ્તૃત માહિતી આપતા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરજિયાત સંકેતમાં મુસાફરી દરમિયાન શું કરવું, શું ન કરવું તે અંગેનો આદેશ આપે છે. આ સંકેતોનુ ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે. સામાન્ય રીતે આ સંકેતોને ગોળ આકારમાં દર્શાવેલ હોય છે. તેમજ સાવધાની દર્શક સંકેત રસ્તાના વપરાશકર્તાને આગળના રસ્તાની પરિસ્થિતિ અંગે ચેતવણી આપે છે. સામાન્ય રીતે આ સંકેતોને ત્રિકોણ આકારમાં દર્શાવેલ હોય છે. જયારે માહિતીદર્શક સંકેતમાં આ નિશાનીઓ વપરાશકર્તાને દિશાઓ અને ગંતવ્ય (સ્થળ) વિશે માહિતી આપે છે. સામાન્ય રીતે આ સંકેતોનો લંબચોરસ આકારમાં દર્શાવેલ હોય છે.
માર્ગ સલામતીની ટિપ્સ આપતા બાળકોને જણાવાયું હતું કે, રસ્તો ઓળંગતી વખતે હંમેશા પહેલા ડાબી અને જમણી બાજુ જોઈ, વાહન ન આવતું હોય તેની ખાતરી કરીને, ઝિબ્રાક્રોસીંગનો જ ઉપયોગ કરવો. સડક અથવા ફુટપાથ ઉપર જ ચાલો. વાહન ચલાવતી વખતે હંમેશાં હેલમેટ પહેરો. ઝિબ્રાક્રોસીંગ પર ચાલતા પદયાત્રીઓને અગ્રતા આપો. બસ-સ્ટેન્ડ પર હંમેશા લાઈનમાં ઉભું રહેવું જોઈએ. સડક માર્ગની નિશાનીઓ, ટ્રાફિકના નિયમો જાણો અને તેનું પાલન કરો.
ડ્રાઈવિંગ કરતી વખતે અથવા માર્ગ ઓળંગતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો. ગતિ મર્યાદાનો ભંગ કરશો નહીં. રસ્તા પર ક્યારેય રમવું જોઈએ નહીં. ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું જોઈએ નહીં.