મોરબી તાલુકાના નીચી માંડલ ગામે બે ઘરને તસ્કરોએ નિશાન બનાવી શેરીમાં પડતી બારીના સળીયા તોડી બંને ઘરમાંથી કુલ રૂપિયા ૧.૮૫ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિતની ચોરી કરી લઇ ગયા હોવાનો ભાગ સામે આવ્યો છે.સમગ્ર ચોરીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નવા પ્લોટ હાઈસ્કૂલની પાછળ રહેતા પ્રકાશભાઇ સહો મહેશભાઇ સોલંકી ઉવ-૨૧ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી પ્રકાશભાઈ તથા પ્રકાશભાઇના કુટુંબીક માસાના ઘર એક શેરીમાં આવેલ હોય ત્યારે ગત તા.૧૩/૦૫ના રોજ રાત્રીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા પ્રકાશભાઈ તથા તેના માસાના ઘરની શેરીમાં પડતી બારીના સળીયા તોડી રૂમમા પ્રવેશ કરી રૂમમા રહેલ કબાટમાંથી પ્રકાશભાઈના સોના ચાદીના નાના-મોટા દાગીના તથા રોકડ મળી રૂ. ૧,૩૨,૫૦૦/- ની તથા તેમના કુટુમ્બીક માસા સોમાભાઇના ઘરમાંથી સોના ચાદીના નાના-મોટા દાગીના તથા રોકડ સહીત રૂ. ૫૨,૫૦૦/-ની ચોરી કરી લઇ ગયા હોય ત્યારે બંને ઘરમાંથી કુલ રૂ.૧,૮૫,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.