મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં ઓકળામાં અજાણ્યા પુરુષનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે બીજા અપમૃત્યુમાં મોરબી તાલુકામાં રફાળેશ્ર્વર ફાટક નજીક મોરબી શહેરના યુવાનનું ટ્રેન હડફેટે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. બંને બનાવોને લઈને પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં એક જ દિવસ દરમિયાન બનેલા બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના મોત થયા છે. પ્રથમ બનાવ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં રીચ-સીરામિક પાછળ આવેલ ઓકળામાં બન્યો હતો. ગઈકાલ તા.૨૫ સપ્ટેમ્બરના રોજ અજાણ્યો પુરુષ જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ કોઈપણ કારણસર પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. આ અંગે માટેલ ગામના મુન્નાભાઈ રવિદાસભાઈ દુધરેજીયાએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી. પોલીસે અ.મોત રજીસ્ટર કરી અજાણ્યા મૃતકની ઓળખ તેમજ તેના વાલી-વારસ અંગે શોધખોળ શરૂ કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ગઈકાલ તા. ૨૫/૦૯ના રોજ મોરબી તાલુકાના રફાળેશ્ર્વર ફાટક પાસે અજાણ્યા વ્યક્તિનું ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું. તપાસ દરમ્યાન મૃતકની ઓળખ વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેસરીયા ઉવ.૨૫રહે. મોરબી શોભેશ્વર રોડ વાણિયા સોસાયટી મૂળ ખાખરેચી તા. માળીયા(મી) તરીકે થઇ હતી. મૃતક યુવકનું અગાઉ અકસ્માતમાં માથામાં ઇજા થવાથી તેમના મગજ પર અસર થઇ હતી. જેથી તેમનું મગજ કામ કરતું ન હોય ત્યારે આ પરિસ્થિતિમાં તેઓ ટ્રેક પર ચડી જતા ટ્રેન હડફેટે કપાઈ મૃત્યુ પામ્યા હતા. આ અંગે રેલ્વે સ્ટેશન માસ્ટર પી.એમ. રંગપરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અ. મૃત્યુની નોંધ કરી છે.