“વાધરવા વાળાને હવા આવી ગઈ છે” કહી લિસ્ટેડ ઇસમોનો આતંક, ગાળાગાળી બાદ આરોપીઓ ફરાર.
માળીયા તાલુકાના વાધરવા ગામે ટ્રાન્સપોર્ટર યુવકને લિસ્ટેડ ઇસમોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. ગાળાગાળી અને ઉશ્કેરણીજનક વર્તન બાદ આરોપીઓ ગાડી લઇ નાસી ગયા હતા. હાલ ભોગ બનનાર દ્વારા ત્રણેય કુખ્યાત બુટલેગરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, વાધરવા ગામે રહેતા અને નાગડાવાસ ગામ નજીક “પુષ્પક લોજિસ્ટિક” નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા મિતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉવ.૨૫ એ આરોપી યુસુફ ઉર્ફે ભાણો સંધવાણી રહે. ખીરઈ તા.માળીયા(મી), કાસો સામતાણી રહે.ચીખલી તા.માળીયા(મી) તથા જુસબ રહે.ખીરઈ તા.માળીયા(મી) વિરુદ્ધ માળીયા(મુ) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૦૧/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે વાધરવા ગામના ગ્રામ પંચાયત નજીક હોળી તહેવાર નિમિત્તે મિતરાજસિંહ તેમના મિત્રો સાથે નાળીયેરની રમત રમતા હતા. તે દરમિયાન કાળા રંગની નંબર વગરની અલ્ટો કારમાં ત્રણેય લિસ્ટેડ બુટલેગરો આવ્યા હતા. આરોપીઓએ “વાધરવા વાળાને હવા આવી ગઈ છે” કહી ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ગાડી લઇ નાસી ગયા હતા. જે બાદ ફરિયાદી મિતરાજસિંહ અને તેના મિત્રો પાછળ ગયા પરંતુ અંધારામાં ગાડી મળી ન આવતા તેઓ ભીમસર ચોકડી નજીક જી.કે. હોટેલના ગ્રાઉન્ડ ખાતે ગયા હતા. ત્યાં ફરી આરોપીઓ સફેદ રંગની ફોર્ચ્યુનર ગાડી સાથે મળ્યા હતા. આ વખતે ફરી ઉગ્ર બોલાચાલી કરી છરી બતાવી કહ્યું કે, “હાઇવે પર ધંધો કરો છો, વાધરવા વાળાને જોઈ લઈશું” કહી ત્યાંથી ત્રણેય આરોપીઓ ચાલ્યા ગયા હતા. હાલ માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









