Thursday, December 26, 2024
HomeGujaratવાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા વૃક્ષોને આ રીતે ઉભા કરી ફરી કરી શકાય છે...

વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા વૃક્ષોને આ રીતે ઉભા કરી ફરી કરી શકાય છે જીવંત

તાઉ-તે ચક્રવાતના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણાં ખેડૂતોના વર્ષોના જતનથી ઉછાળેલા આંબા સહિતના વૃક્ષો પણ પડી ગયા છે અને મોટી સંખ્યામાં રાજયમાં વૃક્ષો પડવાથી પર્યાવરણને પણ નુકશાન થયું છે. આવા સંજોગોમાં બાગાયત વિભાગના સૂચન મુજબ ધરાશાયી થયેલા વૃક્ષોને ફરીથી વાવી શકાય છે. વૃક્ષોને ફરી સજીવન કરતી આ પદ્ધતિ વિશે બાગાયત વિભાગ ખૂબ સરસ માહિતી આપે છે.

- Advertisement -
- Advertisement -

વૃક્ષોને ફરી સજીવન કરવા ધરાશાયી થયેલા વૃક્ષની સહુ પ્રથમ તો તેની મોટી-મોટી બધી જ ડાળીઓ કાપી નાખો. થડ બાજુનાં ભાગે આશરે ત્રણેક ફૂટનો ભાગ રાખી દેવો. ડાળીઓ કાપવા માટે કરવતનો જ ઉપયોગ કરવો, કુહાડાનો હરગીજ નહીં. થડ બાજુનાં કપાઇને ખૂલ્લા થયેલા ભાગ ઉપર ચીકણી માટીનો ગારો બનાવીને મલમની જેમ જાડો લેપ લગાડી દેવો. ત્યાર બાદ થડ બાજુનો જમીનનો ભાગ તપાસો. તુટ્યાં હોવા છતાંય થડ સાથેનાં ઘણાં મૂળ હજી સાબૂત છે. તે બધા જ મૂળની લંબાઈનો અંદાજ કાઢો. અને પછી વૃક્ષની મૂળ જગ્યાએ એટલો ઉંડો અને પહોળો ખાડો ખોદો, કે જે પેલા અંદાજ પ્રમાણે હોય. હવે એ વૃક્ષનાં ઠુંઠાની ઉપરના ભાગે ચારે બાજુએ મજબૂત દોરડાંઓ/નાળાઓ/રસ્સાઓ બાંધો. નાળાનાં દરેક છેડે જરુરિયાત મુજબની સંખ્યામાં માણસોને ઊભા રાખીને છેડાને તેના હાથમાં પકડાવો. હવે વૃક્ષ જે બાજુએ સૂતું છે તેનાથી વિરુધ્ધ દિશામાં તેને દોરડાઓ વડે ખેંચીને ઊભું કરવાનું છે. જે રીતે વીજ કંપનીવાળા ઈલેક્ટ્રીકનાં થાંભલાઓ ઊભા કરે છે, બરાબર તે જ રીતે.

હવે વૃક્ષનાં બધાજ મૂળ ખાડાની અંદર તેની જૂની સ્થિતિ મુજબ જ આવે તેની શક્ય તેટલી કાળજી રાખવી, તથા વૃક્ષ જમીનથી નેવું અંશનાં ખૂણે બરાબર સીધું જ ઊભું રહે તે ખાસ જોવું. વૃક્ષ પોતાનાં ખાડા ઊપર બરાબર સીધું ગોઠવાય જાય ત્યાર બાદ તેને બધી જ બાજુએથી ટેકા ભરાવવા. ટેકા માટે મજબૂત, જાડા લાંબા લાકડાં અગાઉથી જ તૈયાર રાખવા. ટેકાનો એક છેડો બેલાખિયાવાળો (સણેથા જેવો) રાખવો. અને તે ભાગ ડાળીને સખત રીતે ભરાવીને બીજો છેડો જમીનમાં મજબૂતીથી ખૂંચાડી દેવો. બધાજ ટેકાઓ થડ અને જમીન સાથે પીસ્તાલીસ અંશને ખૂણે (ત્રાંસા) ભરાવવા. જો બેલાખિયા વાળા લાકડાં ન મળે તો બે લાકડાને એક છેડેથી મજબૂત દોરી કે વાયર થી બાંધીને ઘોડી બનાવીને આવી ઘોડીઓ બધી બાજુ ભરાવી દેવી. ત્યાર બાદ બધાજ ટેકાઓ બરાબર ગોઠવાય ગયા બાદ, સારા સડેલા સેન્દ્રિય ખાતરનો એક ભાગ તથા માટી ત્રણ ભાગનાં મિશ્રણ વડે ખાડો આખો ભરી દેવો. ભરાય ગયા બાદ પણ તેની ઉપર વજન માટે જમીનથી બે ફૂટ ઊંચે સુધી માટીનો ઢગલો કરી દેવો. પછી વૃક્ષ સાથે બાંધેલા દોરડાઓ છોડી લેવા. જો પાણી પાવાની જરૂર પડે તો પેલા પૂરેલા ખાડાની હદની બહાર ફરતી બાજુએ છ ઈંચ પહોળી તથા છ ઈચ ઉંડી ગોળ રીંગ ખોદીને તેમાં જ પાણી ભરવું. વૃક્ષમાં ધીમે-ધીમે નવા અંકુરો ફૂટવા લાગશે, અને ફરીથી નવ પલ્લવીત થઈ જશે. જો જમીન કાળી અને ચીકણી હોય તો ભરાવેલા બધાજ ટીકાઓ એક વરસ સુધી ભરાવેલાં રાખવા અને જો જમીન મોકળી, ગોરાડું કે રેતાળ હોય તો બે વરસ સુધી ટેકા ભરાવેલા રહે તે જરૂરી છે. આટલું કરવાથી આપણાં અતિકિંમતી વૃક્ષોને જરૂર બચાવી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!