મોરબી, તા. ૨૮ સપ્ટેમ્બર –
શહીદ-એ-આઝમ ક્રાંતિકારી ભગતસિંહજીની જન્મજયંતિના પાવન અવસરે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો.દેવેન રબારીએ તેમને વીરાંજલી અર્પિત કરતાં જણાવ્યું હતું કે –
“ભગતસિંહ ભારત માતાના એવા સપૂત હતા જેઓએ માતૃભૂમિને ગુલામીના અંધકારમાંથી મુક્ત કરવા યુવાવયે જ પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું હતું. અસંખ્ય નામી-અનામી ભગતસિંહોના શૌર્ય અને બલિદાનના બળ પર જ આપણને આઝાદીનો અમૂલ્ય સ્વાદ મળ્યો છે.”
આ અવસરે ડો. દેવેન રબારી એ દેશની હાલની પરિસ્થિતિ અંગે ચિંતન કરતા જણાવ્યું કે –
“ભારતની વસ્તી સવા અબજથી વધુ છે, પરંતુ ‘ભારતીયો’ની અછત છે. જાતિવાદ, કોમવાદ અને લઘુમતી-બહુમતીની રાજનીતિએ રાષ્ટ્રવાદની ભાવનાને પાછળ ધકેલી દીધી છે. ભગતસિંહ માત્ર શીખો કે પંજાબીઓ માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે શહીદ થયા હતા. તેમની સાચી ઓળખ રાષ્ટ્રભક્તિ છે.”
ભગતસિંહના વિચારોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે –“માત્ર ૨૩ વર્ષની વયે ભગતસિંહે સમાજના અગત્યના મુદ્દાઓ પર પરિપક્વ વિચારો રજૂ કર્યા હતા – અછૂત પ્રશ્ન, કોમી તોફાનો, મજૂરો-ખેડૂતોની હાલત, ધર્મની વ્યાખ્યા અને ક્રાંતિનો સાચો અર્થ. તેમણે ૧૯૨૮માં આગાહી કરી હતી કે ભારત ભલે આઝાદ થશે, પરંતુ ગરીબ અને મજૂરોની સ્થિતિ એ જ રહેશે; ફક્ત શાસકોના ચહેરા બદલાશે. આજની પરિસ્થિતિએ એ આગાહી સાચી સાબિત કરી છે…“ભગતસિંહે સ્પષ્ટ કહ્યું હતું કે ક્રાંતિ ફક્ત બોમ્બ અને પિસ્તોલથી નથી આવતી; વિચારોની તલવાર વધુ ધારદાર હોવી જોઈએ. તેમનું સ્વપ્ન હતું – શોષણ પર ટકેલી મૂડીવાદી વ્યવસ્થા દૂર કરીને સમાજવાદી ભારતનું નિર્માણ કરવું. આજની યુવાપેઢી માટે સાચો સંદેશ એ જ છે કે ભગતસિંહના સપનાનું ભારત બનાવવા માટે સજ્જ થવું જોઈએ.”અંતે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે –“ભગતસિંહ જેવા મહાન શહીદોને અંજલી આપવા લાયકાત આપણે ગુમાવી રહ્યા છીએ, પરંતુ તેમના વિચારો આજેય જીવંત છે અને હંમેશાં પ્રેરણા આપતા રહેશે. સાચી ઈન્કલાબની જ્યોત વિચારોમાંથી જ પ્રગટે છે.”