Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આયુર્વેદ યોગ અને હોમિયોપેથીના ત્રિવેણી સંગમ સમો આયુષ...

મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આયુર્વેદ યોગ અને હોમિયોપેથીના ત્રિવેણી સંગમ સમો આયુષ મેળો યોજાયો

‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ થીમ પર ‘આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે’ ટેગલાઈન પર ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ – ૨૦૨૩ અન્વયે મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલય – ભારત સરકાર પ્રેરિત નિયામક – આયુષની કચેરી, ગાંધીનગર નિર્દેશિત અને આયુર્વેદ શાખા મોરબી જિલ્લા પંચાયત તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ – મોરબી દ્વારા આયુર્વેદ, યોગ અને હોમિયોપેથીના ત્રિવેણી સંગમ સમા આયુષ મેળાનું મોરબી જિલ્લા પંચાયતના પ્રાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, “આયુર્વેદ એ માનવીના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આજના આ ફાસ્ટ યુગમાં જો આપણે આરોગ્યપ્રદ ખોરાક અપનાવીશું તો આપણા બાળકો અને આવનારી પેઢી પણ એ ખોરાક અપનાવશે” એવું કહી તેમણે શ્રી ધાન્ય એટલે કે મિનિટ્સની અગત્યતાની વાત કરી હતી. ઉપરાંત તેમણે સૌને આળસ ખંખેરી જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “કોરોનાના સમય દરમિયાન આયુર્વેદ મહત્વનું સાબિત થયું હતું જેથી આપણે સૌએ સ્વસ્થ જીવન માટે આયુર્વેદ જરૂરથી અપનાવવું જોઈએ”.

- Advertisement -
- Advertisement -

આયુર્વેદ શાખાની સવિશેષ કામગીરી માટે આયુર્વેદ શાખાને અભિનંદન પાઠવી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, “આયુર્વેદ, હોમિયોપેથી અને એલોપેથી ત્રણે પોતાની રીતે અલગ અલગ મહત્વ ધરાવે છે. આ બધી પદ્ધતિઓમાંથી આપણે સારી બાબતો સ્વીકારવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ વર્ષોથી મહાન રહી છે અને અત્યારે પણ મહાન જ છે એ બાબત સાબિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યોગ દિવસ, મિલેટ્સ વર્ષ વગેરે જેવી ઉજવણીઓ કરી આપણી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે”. વધુમાં તેમણે મીલેટ્સની અવનવી વાનગીઓ વિશે વાત કરી મીલેટનું જીવનમાં રહેલું મહત્વ વર્ણવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન આપતા જિલ્લા આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.પ્રવીણભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે, “આયુર્વેદનું મહત્વ લોકો સુધી પહોંચે તેવા હેતુથી વર્ષ ૨૦૧૬થી આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ જ્યારે ૮માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ એમ ત્રિવેણી સંગમ સમા આયુષ મેળાની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે. તન મન અને આત્માની સ્વચ્છતા અને સ્વસ્થતા માટે આયુર્વેદ ખૂબ મહત્વનું છે. એવી ખોટી માન્યતા છે કે, આયુર્વેદ લાંબા ગાળે સારવાર કરે છે પરંતુ આયુર્વેદની અસર ત્વરિત થાય જ છે પરંતુ તમારી બીમારી કેવી છે તેના ઉપર દવાની અસર આધાર રાખે છે. કોઈપણ મુશ્કેલી હોય કે બીમારી હોય ખોટા અખતરા ન કરતા નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ” એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું અને મિલેટ્સની વાનગીઓની પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આયુર્વેદ ડો. ખ્યાતિબેનનું વર્ષ દરમિયાન મિલેટ્સની વિવિધ વાનગીઓ બનાવી મિલેટ્સના પ્રસાર પ્રચારની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વિરેન ઢેઢી સહિત સમગ્ર આયુર્વેદ વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.

આ આયુષ મેળા અન્વયે તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્યા – ઋતુચર્યા – વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન, હરસ-મસા-ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણું હર્બલ ડ્રિંકનું વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણી જેઠાભાઈ પારેઘી તેમજ વાઘજીભાઈ ડાંગરોચા, આયુર્વેદ વિભાગના અધિકારી/કર્મચારીઓ અને દર્દીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!