મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક ભૈરવનાથ હોટલ પાસે હેન્ડ બ્રેક ન મારેલ ટ્રક ચાલવા લાગતા, ટ્રક ચાલક તેને રોકવા કેબિનમાં ચડવા ગયો ત્યારે બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે દબાઈ જતા રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, પ્રહલાદ છેતરમલ ગુર્જર ઉવ.૩૬ રહે. ધીરાવાસ તા. જામરામગઢ જી. જયપુર રાજસ્થાન વાળા પોતાનો ટ્રક નં. રજી.નં. આરજે-૫૨-જીબી-૨૭૫૧સાથે મોરબી-હળવદ રોડ પર આંદરણા ગામ પાસે આવેલ ભૈરવનાથ હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં ઊભા રહ્યા હતા. ત્યારે તા. ૨૬/૦૯ની વહેલી સવારે તેમણે ટ્રક ચાલુ મુકીને ચા પીવા માટે બહાર ગયા હતા. હેન્ડ બ્રેક ન મારવાથી ટ્રક ધીમે ધીમે ચાલવા લાગ્યો હતો. જેથી તેને રોકવા માટે પ્રહલાદભાઇ ટ્રક પર ચડવા જતા પોતાના ટ્રકના કેબીનના દરવાજા અને બાજુમાં પાર્ક કરેલી બીજા ટ્રક નં. આરજે-૪૭-જીએ-૫૭૬૭ વચ્ચે આવી દબાયા ગયા હતા. અકસ્માતમાં પ્રહલાદભાઇને છાતી તથા માથામાં ગંભીર ઇજાઓ પહોચતા, તેને ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે સમગ્ર અકસ્માતમાં મૃત્યુ મામલે મૃતકના ભાઈ રામઅવતાર છેતરમલ ગુર્જરની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.