હળવદ-માળીયા હાઇવે પર રાત્રે ટ્રક ચાલક સાથે લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રકનું વ્હીલ ફાટતા ડ્રાઇવર રોડ સાઈડમાં ટ્રક રાખી ઉભો હતો ત્યારે ફોરવ્હીલ કારમાં આવેલા બે ઇસમોએ લાકડાના ધોકા વડે માર મારીને તેની પાસેથી રોકડ રૂ. ૫,૦૦૦ તેમજ ટ્રકની બે બેટરી (કિંમત રૂ. ૧૦,૦૦૦)ની બળજબરી પૂર્વક લૂંટ કરી આવેલ કારમાં નાસી ગયા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.
મોરબી તાલુકા વિસ્તારમાં હળવદ-માળીયા હાઇવે પર તુલશીવન પેટ્રોલપંપ અને મામા લેમીનેટ નામના બંધ કારખાનાની વચ્ચે લૂંટનો બનાવ બન્યો છે. જેમાં બનાસકાંઠાના ભરડવા ગામે રહેતા કીરણભાઇ બબાભાઇ રાવલ ઉવ ૩૧ કે જેઓ ટ્રક નં. જીજે-૧૨-બીડબલ્યુ-૫૨૪૦ ચલાવી કંડલા તરફ જઈ રહ્યા હતા. ત્યારે તા.૦૭/૦૮ના રોજ રાત્રે આશરે ૩ વાગ્યે ટ્રકના આગળના ખાલી સાઇડના ટાયરમાં ભડાકો થવાથી તેમણે ટ્રક રોડની એકદમ સાઈડના પાર્ક કરી કેબીનમાં સુતા હતા, આ દરમિયાન સવારે ચાર વાગ્યાના અરસામાં એક ફોરવ્હીલ કાર આવી દૂર ઉભી રહી હતી. કારમાંથી બે અજાણ્યા ઇસમો ઉતરી બાવળની ઝાડીઓમાંથી છુપાઇને ટ્રક પાસે આવી અને ટ્રકની બેટરી ખોલવા લાગ્યા હતા. જેથી ટ્રક ચાલકે તેમ કરતા રોકતા એક ઇસમે હાથમાં લાકડાનો ધોકો લઇ હુમલો કરી, માર મારી ખિસ્સામાંથી રોકડા રૂ.૫ હજાર કાઢી લઈ, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ટ્રકની બે બેટરી (કુલ કિંમત રૂ. ૧૦,૦૦૦ કાઢી પોતાની કારમાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના અંગે ડરી ગયેલ ટ્રક ચાલકે કંપનીના માલિકને ફોન કરી બનાવની જાણ કરી હતી. હાલ ટ્રક ચાલકે તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા ઉંમર આશરે ૩૦-૩૫ વર્ષના ઇસમો વિરુદ્ધ લૂંટ અંગેની ફરિયાદ નોંધાવતા, પોલીસે બન્ને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી, આરોપીઓની શોધખોળ માટે તાકીદના પગલાં લેવામાં આવ્યા છે.