મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ચામુંડા હોટલ નજીક સર્વિસ રોડ ઉપર મોટર સાયકલ સવાર બે મિત્રોને ટ્રકે સામેથી આવીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને માથામાં અને શરીરે ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટર સાયકલની પાછળ બેઠેલ યુવકનું માથામાં ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું, હાલ મોટર સાયકલ ચાલકની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અને એ.સી.રિપેરીંગનું કામ કરતા જાહિદઅહેમદભાઈ મામદહુસેનભાઈ શેરશિયા ઉવ.૨૨ એ ટ્રક રજી.નં. જીજે-૦૩-ડબલ્યુ-૮૪૩૪ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૨૮/૦૭ના રોજ ફરિયાદી અને તેની સાથે એ.સી. રિપેરીંગનું કામ કરતા તેમના મિત્ર મોઇનભાઈ બન્ને એ.સી.રીપેરીંગ કરવા સરતાનપર રોડ ઉપર પોતાના હીરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર પ્રો રજી.નં.જીજે-૦૩-ડીક્યુ-૧૬૪૫ ઉપર જઈ રહ્યા હતા, ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ચામુંડા હોટલ નજીક સર્વિસ રોડ પાસે પહોચતા સામેથી ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી સામેથી આવતા ફરિયાદીના મોટર સાયકલને ઠોકરે ચડાવતા બંને મિત્રો મોટર સાયકલ સહિત રોડ ઉપર પટકાયા હતા, જે અકસ્માતમાં ફરિયાદી મોટર સાયકલ ચાલકને માથામાં અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે ઉપરોક્ત ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.