મુખ્ય આરોપીઓ પૈકીની મહિલા શાંતાબેન ના એક દિવસના અને સાગર સાવધાર નામના આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર;મહિલા આરોપીએ તાજના સાક્ષી બનવાની તૈયારી દર્શાવી
મોરબીના ચકચારી વજેપર સર્વે નં. ૬૦૨ જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમે મુખ્ય મહિલા શાંતાબેન પરમાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે બન્ને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપી શાંતાબેનના ૧ દિવસના અને સાગર સાવધારના ૪ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
મોરબીના વિવાદિત અને કરોડોની કિંમત ધરાવતી વજેપર રેવન્યુ સર્વે નંબર ૬૦૨ ખેતી જમીનના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાંચે મુખ્ય મહિલા આરોપી સહિત વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ બોગસ દસ્તાવેજોના આધારે વારસાઈ નોંધણી કરાવી અને પછી જમીનના દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ કેસમાં અગાઉ આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ થઈ ચુકી છે. તાજેતરમાં સીઆઈડીના ડીવાયએસપી આર. એસ. પટેલના નેતૃત્વમાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઈ પરમાર ઉવ.૭૦ રહે. લાભનગર, વેજીટેબલ રોડ મોરબી તથા સાગર નવઘણભાઈ સાવધાર ઉવ.૩૯ રહે.રબારીવાસ મોરબીવાળાની ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી શાંતાબેન માટે ૧ દિવસના રિમાન્ડ અને સાગર માટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.આરોપીઓ સામે વધુ પુરાવા એકત્ર કરવાની દ્રષ્ટિએ સઘન પૂછપરછ હાથ ધરાશે.