મોરબીમાં બાઇક ચોરીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. જેમાં આજ કાલમાં યુવાનો પણ પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડી જતા હોય છે. પણ પોલીસ પણ આવા અવડા રવાડે ચડેલા અને ચોરી કરતા લોકોને ઝડપી પાડીને એને કાયદાનું ભાન કરાવવા માટે હમેશા સક્રિય રહે છે. ત્યારે મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી બે સ્થળોએથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે બે ઈસમોને પકડી પાડ્યો છે.
પ્રથમ દરોડામાં, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઇ. એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હયુમન સોર્સીસથી અને બાતમીદારોના આધારે મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે વિક્રમસિંહ જીવુભા ઝાલા (રહે,પંચાસર તા.મોરબી) નામના આરોપીને શનાળા રાજપર ચોકડી ખાતેથી પકડી પાડ્યો છે. જેમાં આરોપી પાસેથી મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા શખ્સ પાસે રહેલ મોટરસાયકલ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીઓની અટક કરી રૂ.૨૫,૦૦૦/-ની કિંમતનું મોટરસાઇકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા દરોડામાં, મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમે વાવડી ચોકડી ખાતેથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં આરોપીને તેની પાસે રહેલ જીજે-૦૩-બીપી-૦૬૨૭ નંબરની મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટર સાયકલ ચોરાઉ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ પોલીસે છગનભાઇ કરશનભાઇ વાધેલા (રહે,મોરબી રેલ્વેસ્ટેશન રોડ ઉપર મુળ રહે.વાંકાનેર ફુટપાથ) નામના શખ્સની અટક કરી રૂ.૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ કાઢતા આરોપી રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું હતું. અને આરોપીનું નામ અનેક વખત પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ ૭ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.