મોરબીમાંથી ડ્રગ્સ, દારૂ બાદ હવે યુવાધનને નશાના રવાડે ચડાવતા અફીણનો જથ્થો ઝડપાયો છે. શહેરના લીલાપર રોડ પર આવેલ રહેણાંક મકાનમાંથી એસઓજી પોલીસે ૩૧૦ ગ્રામ અફીણના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા હતા જ્યારે એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા અફીણનું વેચાણ કરવામાં આવતું હોવાની એસઓજી સ્ટાફને કાને વાત પડી હતી જેને લઈને પોલીસે ત્યાં રેડ કરી હતી. આ રેઇડ દરમીયાન ઘરમાં અફીણ રાખીને માલ વેચનાર લાખુભા મહોબતસિંહ ઝાલા અને માલ લેવા માટે આવેલ ભૈરોબક્સ રાજકુમાર ગરવાલ નામનો શખ્સ ઝડપાયા હતા. જેથી પોલીસે ૩૧૦ ગ્રામ અફીણ કીમત રૂ.૩૧,૦૦૦, રોકડ રકમ રૂ.૧૦,૧૬૦ અને મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૫૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪૬.૬૬૦ નો મુદામાલ સાથે આરોપી લાખુભા મહોબતસિંહ ઝાલા અને ભૈરોબક્સ રાજકુમાર ગરવાલની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં આરોપી રમુભા ગઢવી રહે.બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.