મોરબી પોકસો કોર્ટે દુષ્કર્મ કેસમાં બન્ને આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવી, ભોગબનનારને ૪ લાખ રૂપિયા વળતર ચુકવવાનો હુકમ.
મોરબીની પોકસો કોર્ટ દ્વારા ચરાડવા ગુરુકુળના સંચાલકો લલિતભાઈ શાસ્ત્રીજી આમોદરા અને અલ્કેશભાઈ કુંજડીયાને સંસ્થાના એડમિશન માટે આવેલ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના દોષી ઠેરવવામાં આવ્યા છે. બંનેને ૧૦ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૧-૧ લાખના દંડની સજા ફટકારવામાં આવી છે. દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૧ વર્ષની વધારાની કેદ પણ ફટકારાશે, સાથે સાથે ભોગબનનાર યુવતીને કુલ રૂ. ૪ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે.
કેસની ટુક વિગત મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામમાં આવેલી ગુરુકુળ સંસ્થામાં એડમિશન લેવા આવેલી યુવતી સાથે ગુરુકુળના સંચાલકો લલિતભાઈ ઉર્ફે શાસ્ત્રીજી મકનભાઈ આમોદરા રહે.ચરાડવા એસ.એસ.સંકુલ હાલ મોરબી-૨ ગીતપાર્ક અને અલ્કેશભાઈ મહેન્દ્રભાઈ કુંજડીયા રહે. ચરાડવા એસ.એસ.સંકુલ મૂળ રહે. રીઝા તા.તારાપુર વાળાએ ફરીયાદીની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર આચર્યો હતો. ઉપરાંત, ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ૬ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસ મોરબીની વિશેષ પોકસો કોર્ટમાં ચાલી જતા, ન્યાયાધીશ કમલ પંડ્યાએ ૧૧ મૌખિક અને ૨૩ દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલ એન.ડી. કારીયાની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવી ચુકાદો આપ્યો હતો. ભવિષ્યમાં આવી શૈક્ષણિક સંસ્થાઓમાં આવા ગુનાઓ અટકાવવા કડક હુકમ આપવાની જરૂર જણાવી, બન્ને આરોપીઓને ૧૦ વર્ષની કેદ અને ૧-૧ લાખના દંડની સજા ફટકારી હતી. વધુમાં, પીડિતાને રાજ્ય સરકારની વળતર યોજના હેઠળ રૂ. ૨ લાખ અને આરોપીઓ દ્વારા ભરવામાં આવેલ રૂ. ૨ લાખ સહિત કુલ રૂ. ૪ લાખ વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.