મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂની ૫ બોટલ સાથે એક ઈસમ પકડાયો હતો, જેની આગવી ઢબે પૂછતાછમાં અન્ય એક બુટલેગરનું નામ ખુલવા પામ્યું હતું ત્યારે તે બુટલેગરના વાવડી રોડ સ્થિત રહેણાંક મકાને દરોડો પાડતા વિદેશી દારૂની વધુ ૫૦ બોટલ સાથે ઉપરોક્ત બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતા. ત્યારે આ ગેરકાયદેસરના વેપલામાં બુટલેગરના અન્ય બે સાગરીતોના નામ ખુલવા પામ્યા હતા, હાલ સીટી એ ડિવિઝન પોલીસે બે દરોડામાં વિદેશી દારૂની કુલ ૫૫ બોટલ સાથે બે આરોપીઓની અટક કરી છે જ્યારે અન્ય બે આરોપીને ફરાર દર્શાવી આગળની તપાસ તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી પોલીસ ટીમ કાલિકા પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમીયા સાયન્ટિફિક રોડ ઉપર આવેલ નાલા પાસે શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતા એક ઇસમને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની ૫ બોટલ કિ.રૂ.૧,૫૦૦/-મળી આવતા આરોપી ધર્મેશભાઇ સુરેશભાઇ મહેતા ઉવ.૫૧ રહે.મોરબી આલાપરોડ નવરંગપાર્ક-૧ની અટક કરાઈ હતી, ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં પકડાયેલ વિદેશી દારૂ વાવડી રોડ ગણેશનગરમાં રહેતા આરોપી અહેમદભાઈ મહમદભાઈ વડાવરીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજીબાજુ ફરાર આરોપી અહેમદભાઈ મહમદભાઈ વડાવરીયાના વાવડી રોડ ખાતે આવેલ ગણેશનગરના રહેણાંક મકાને વિદેશી દારૂ અંગે રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૫૦ બોટલ કિ.રૂ.૧૬,૪૦૦/- સાથે આરોપી અહેમદભાઈ મહમદભાઈ વડાવરીયા હાજર મળી આવતા પોલીસે તેની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી, જ્યારે ઉપરોક્ત બુટલેગરની પ્રાથમિક પૂછતાછમાં અન્ય બે સાગરીત આરોપી મકબુલ હનીફભાઈ ચાનીયા રહે.કાલીકા પ્લૉટ મોરબી તથા આરોપી સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે.કબીર ટેકરી મોરબીવાળાના નામ ખુલવા પામ્યા હતા.
હાલ સીટી એ ડિવિઝન પોલીસે બે દરોડામાં કુલ પાંચ આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બે આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.