મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતનાં બનાવો સામે આવ્યાં હતાં. જેમાં વાંકાનેરના સીગ્નેચર સીરામીકમાં માટીમાં દબાઇ જતા બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે હળવદનાં કંસારી હનુમાનજી મંદિર પાસે નર્મદા કેનાલના નાળા સાઇફનમા ત્રણ-ચાર દિવસ પહેલા પડેલ અજાણ્યાં પુરુષની લાશ મળી આવી હતી.
પ્રથમ બનાવમાં, વાંકાનેરના ઢુવા ખાતે આવેલ સીગ્નેચર સીરામીકમાં કામ કરતા સુનીલભાઇ ગોહેલનો સાત વર્ષિય બાળક કિશન ગત તા.૧૯/૦૨/૨૦૨૩નાં રોજ રમતા રમતા કારખાનાની માટી ખાતામાં હોપર ખાડા પાસે આવતા અકસ્માતે તેમા પડી જતા માટીમાં દબાઇ જતા તેનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જેને લઇ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
જયારે અન્ય બનાવમાં, હળવદનાં કંસારી હનુમાનજી મંદિર પાસે નર્મદા કેનાલના નાળા સાઇફનમાથી તા.૧૯/૦૨/૨૦૨૩નાં રોજ એક અજાણ્યાં પુરુષની લાશ મળી આવી હતી. જેને લઇ સ્થાનિકોએ હળવદ પોલીસને જાણ કરી હતી. ત્યારે લાશ મળ્યા અંગે પોલીસને જાણ થતાં જ તેઓએ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતક ત્રણ-ચાર દિવસ પહેલા નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાના કારણે મરણ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.