મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો ચોપડે નોંધાયા હતા. જેમાં મોરબી તાલુકાના ટીંબડી ગામમાં પતરુ માથા પર પડતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે ખાનપર ગામની સીમમા એક યુવકે અગમ્ય કારણોસર લીમડા સાથે રસી બાંધી ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, પ્રથમ બનાવમાં, મોરબીના ત્રાજપર ખાતે રહેતા અજયભાઇ અશોકભાઇ દંતેસરીયા નામનો યુવક ગઈકાલે ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ ઓસીસ વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરી રહ્યો હતો. ત્યારે યુવક કારખાનામાં પતરુ લઈને જતો હતો. ત્યારે પતરુ માથામાં પડતા માથામાં ગંભીર ઇજા થતા તેને પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા તેના પરિવારજન સુનિલભાઇ તેના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીનાં ખાનપર ગામ ખાતે રહેતા અનીલભાઈ કરમશીભાઈ જીવાણી નામના યુવકે ગત રોજ બપોરના સમયે ખાનપર ગામની સીમમા આવેલ ભરતભાઈ મોહનભાઈની વાડીએ લીમડા સાથે રસી બાંધી પોતે પોતાની જાતે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા જ ભરતભાઈ તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરનાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી હતી.