મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં એક તથા હળવદમાં એક એમ કુલ બે અપમૃત્યુના બનાવમાં બે લોકો મોતને શરણે થયા હતા. ત્યારે પોલીસે બંને અપમૃત્યુના બનાવ અંગે બનાવોની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ એડીકોન પેપરમીલમાં રહેતા કુશલભાઇ કાશીભાઇ ઉવ.૨૯ નામનો મજુર કારખાનામાં કામ કરતો હોય તે સમયે અકસ્માતે પેપરનો રોલ મજૂરના માથાના ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી તેથી તેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી કુશાલભાઈને મૃત જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોત ની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા અપમૃત્યુના બનાવમાં હાલ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા મૂળ દાહોદ જીલ્લાના ફાગીયા દુકાન ફળીયાના વતની ખેત શ્રમિક નયનાબેન અરવિંદભાઇ કલસીંગભાઇ ગત તા.૦૩/૦૨ના રોજ પ્રસૃતિનો દુખાવો ઉપડતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હોય. જ્યાં નયનાબેને મૃત બાળકીને જન્મ આપેલ હતો. ત્યારબાદ નયનાબેનની સારવાર મોરબી સરકારી હોસ્પિટલમાં જ ચાલુ હોય ત્યારે ગઈકાલે ચાલુ સારવારમાં તેમનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.