છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો વધી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને મોરબીમાં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન તથા એલ.સી.બી. પોલીસે બે સ્થળોએ રેઈડ કરી લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝરર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને તેમજ જુદા જુદા ચિત્રો બનાવી ચકલા પોપટનો જુગાર રમતા ૩ શખ્સોને પકડી તપાસી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ બનાવમાં, મોરબી એલ.સી.બી. પોલીસે બાતમીનાં આધારે મોરબી રવાપર બોનીપાર્ક પાસે તેજાણી વાડીમાં રેઈડ કરી હતી અને શંકાસ્પદ રીતે ફરતા હિરાભાઇ ભવાનભાઇ પરમાર (રહે.મોરબી રવાપર બોનીપાર્ક પાસે તેજાણી વાડી) નામના શખ્સની અટકાયત કરી તેની પોઉચાપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે તોફીક હુશેનભાઇ પીંજારા (રહે.મોરબી) સાથે ફોન ઉપર વાતચીત કરી TATA IPL T-20 માં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝરર્સ હૈદરાબાદ ટીમો વચ્ચે ચાલતી T-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા, જેને લઈ પોલીસે હિરાભાઇ ભવાનભાઇ પરમારની રોકડ રૂ.૧૧૦૦/-, રૂ.૫૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૬૧૦૦/- ના મુદામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
બીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી સીવીલ હોસ્પીટલના પાર્કીગના ગ્રાઉન્ડમા મોસીનભાઇ રહીમભાઇ દલ (રહે.મોરબી વાવડીરોડ બાવનશાપીરની દરગાહ સામે ક્રિષ્ના પાર્ક ઇન્ડીયાપાન વાળી શેરી) ગેરકાયદેસર રીતે જાહેરમા બેસી જુદા જુદા ચિત્રો વાળા બેનર ઉપર જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીતનો નશીબ આધારીત ચકલા પોપટનો જુગાર રમતા રમાડતા મોસીનભાઇ રહીમભાઇ દલ, મીનપ્રસાદ ઉર્ફે રોહીત વસંતભાઈ ભુશાલ (રહે મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી) તથા સંજયભાઇ વિનોદભાઇ સોલંકી (રહે.મોરબી વીશીપરા ફાટક પાસે હનુમાનજી મંદીર પાસે) નામના શખ્સોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી કુલ રોકડા રૂ,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.