મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી થોડા દિવસ અગાઉ મોબાઈલ ફોનની ચોરી થવા પામી હતી. જે કેસમાં પોલીસે બે રીઢા ચોરને પકડી પાડી તેની પાસેથી અલગ-અલગ સ્થળેથી ચોરી કરેલ ૧૦ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ખુલ્લી ઓરડી, મકાન ખુલ્લુ રાખી સુતા લોકોનાં મોબાઈલને આરોપી નિશાન બનાવતો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં મિત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના આપતા એલ.સી.બી. પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તેમજ પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના માણસો સાથે તે અંગેની કાર્યવાહી કરવા મોરબી તાલુકા વિસ્તારમાં પ્રયત્નશીલ હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકતનાં આધારે હાજી અકબરભાઇ માણેક મિયાણા (રહે.મોરબી-૨ સો-ઓરડી રામદેવપીરના મંદિર પાસે ધનાભાઇ ચાવડાની ઓરડીમાં જી.મોરબી ૨), એજાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટ્ટી મિયાણા (ઉવ.૨૪ રહે.મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ ઇદમસ્જિદ પાછળ જી.મોરબી) નામના ઇસમને અલગ અલગ કંપનીના ૧૦ મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ મોરબી તાલુકા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કરીને મેળવેલ હોય જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી ચોરી કરેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી ઇસમ પાસેથી ચોરીમાં ગયેલ ૧૦ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૮૫૦૦/- નો મુદામાલ કબજે કરી વધુ તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવ્યા છે.