મોરબી જિલ્લામાં વાંકાનેર અને હળવદ વિસ્તારમાં બે જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિના દુઃખદ અવસાન થયાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. બંને બનાવોની પોલીસ દ્વારા નોંધ લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
વાંકાનેર તાલુકા વિસ્તારમાં છત પરથી પડતા ૧૫ વર્ષીય સગીરનું મોત
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેપર્ડ સીરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં ૧૫ વર્ષીય રમઝાન નિજામુદ્દીન નાઈ રાત્રે લેબર કોલોનીની છત પર ઊંઘતો હતો. મધરાતે શૌચ માટે જતાં ત્યારે અચાનક છત પરથી નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.તરત જ નજીકની એપેક્ષ હોસ્પિટલ, રફાળીયા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું.જે આ બનાવ અંગે નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદમાં વીજ લાઇન રીપેરિંગ દરમ્યાન શોર્ટસર્કિટથી જી.ઇ.બી. કર્મચારીની દુર્ઘટનામાં મોત
હળવદ પોલીસ સ્ટેશનની હદમાં સુંદરીભવાની ગામે બનેલ બનાવમાં જી.ઇ.બી.માં કામ કરતા ૪૫ વર્ષીય બાબુભાઇ ભોપાભાઇ શીયાળીયા આજે બપોરના એક વાગ્યાની આસપાસ ૬૬ કે.વી. સબ સ્ટેશન ખાતે ૧૧ કે.વી. વીજલાઇન પર રીપેરિંગ કામમાં વ્યસ્ત હતા. દરમિયાન અજાણે એક ચાલુ લાઇનના તાર સાથે સ્પર્શ થવાથી તેમને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થઈ જતા મૃતદેહને પીએમ અર્થે ખસેડી હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.