મોરબી જિલ્લામાં અપમૃત્યુના આજે બે બનાવો સામે આવ્યા છે જેમાં વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામે કારખાનામાં કામ કરતા શ્રમિક ચક્કર આવતા પડી ગયા બાદ તેનું મોત નીપજ્યું છે. જ્યારે મોરબી સરકારી હોસ્પિટલ નજીક ત્રીજા માળે કામકાજ દરમિયાન જુલાનો રસો તૂટતા નીચે પટકાયેલ યુવાનનું મોત નીપજ્યું છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામેં આવેલ ટીટા સીરામીકના કારખાનામાં કામકાજ દરમિયાન શ્રમિક રાધે શ્યામભાઇ મુળચંદભાઇ બગાનીયા (રહે. સરતાનપર રોડ ટીટા સીરામીકની ઓરડીમા મૂળ, મધ્યપ્રદેશ)ને એકાએક ચક્કર આવી જતા જમીન પર પટકાયા હતા જે દરમિયાન તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ અંગે વાંકાનેર પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
મોરબી સરકારી હોસ્પીટલ નજીક સુર્યા ડેવલપર્સના નિર્માણધીન બાંધકામના ત્રીજા માળે ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી (ઉ.વ.૧૯ રહે.હાલ પંચાસરરોડ ન્યુજનક સોસાયટી મોરબી) જુલામા બેસી ઇલેક્ટ્રીકનુ કામ કરતો હતો આ દરમિયાન અકસ્માતે જુલાનો રસો ટુટતા યુવાન નીચે ખાબક્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ આરંભી છે.