મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બે સ્થળોએ નવા ડ્રેનેજ લાઈન નાખવાના કામનું ખાતમહુર્ત ૧૫ મેના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાશે. સાથે જ ગ્રીનચોક લાઈબ્રેરીનો વાંચન રૂમ પણ તે જ તારીખથી જાહેર જનતા માટે પુનઃ ખુલ્લો મૂકાશે.
મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના જણાવ્યા અનુસાર શહેરના વિકાસ અને સુવિધાઓના વિસ્તરણના ભાગરૂપે બે મહત્વપૂર્ણ ડ્રેનેજ લાઈન કામોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં સુપર ટોકીઝથી અમુલ ડેરી નવલખી રોડ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાનું કાર્ય હાથ ધરાશે. બીજી બાજુ, દરબારગઢથી નહેરૂ ગેટ સુધી પણ આ પ્રકારની ડ્રેનેજ લાઈન પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં આવશે. બંને કામો માટે ખાતમહુર્ત સમારંભ તા. ૧૫ મે ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સાથે, મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ગ્રીનચોક ખાતે આવેલી લાઈબ્રેરીનો વાંચન રૂમ પણ ફરીથી જનતાની સેવા માટે ખોલી દેવામાં આવશે. આ વાંચન રૂમ હવે સૌ માટે ઉપલબ્ધ રહેશે. મહાનગરપાલિકાના સીટી ઈજનેરે તમામ નાગરિકોને આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે.