હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાં ગઈકાલે સાંજે એક સગીર સહિત બે યુવાનો ડુબી જતા બંનેના મોત નિપજ્યા હતા. જેમાં એક ભાઈનો પગ લપસતાં તે કેનાલમાં પડી ગયો હતો, જ્યારે બીજો તેને બચાવવા ઊતરતાં બંને ડૂબી ગયા હતા. હળવદ પોલીસે આ અંગે અ.મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અ.મોતની ઘટનામાં મૃતક તરીકે ઓળખાયેલા બે યુવાનોના નામ હીતેષભાઈ ભાવેશભાઈ રાઠવા ઉવ.૧૫ અને અશ્વીનભાઈ સંજયભાઈ રાઠવા ઉવ.૨૩ છે. બંને હાલ ચંદ્રગઢ ગામની સીમમાં કાંતીલાલ મીઠાભાઈ કણઝરીયાની વાડીએ રહેતા હતા, જ્યારે તેમનું મૂળ નિવાસ કમલાવાસણ ગામ, નીશાળ ફળીયુ તા. નસવાડી જી. છોટા ઉદેપુર છે. બનાવ અંગે જાહેર કરનાર અતુલભાઈ સુમસીંગભાઈ રાઠવા ઉવ.૨૭ રહે. ખરમડા ગામ જી. છોટા ઉદેપુર વાળાએ પોલીસને જાણ કરી હતી કે, તા.૦૭/૦૯ના રોજ સાંજના સમયે હીતેષભાઈ પાણી ભરવા માટે કેનાલ તરફ ગયા હતા. દરમિયાન પગ લપસી જતા તે પાણીમાં પડી ગયા હતા. તેમને બચાવવા માટે અશ્વીનભાઈ પણ કેનાલમાં ઊતર્યા, પરંતુ બંને જણા કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં ડુબી ગયા હતા. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેના મૃતદેહોને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.